આણંદમાં અક્ષર ફાર્મ વિદ્યાનગર ખાતે ભાજપના નવા જિલ્લા કાર્યાલય શ્રી કમલમના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે રાજ્યમાં 10થી 12 દિવસ વહેલી ચૂંટણીના સંકેત આપ્યા હતા. તેમણે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ સંકેત આપ્યા હતા.
પાટીલે જણાવ્યું હતું કે નવેમ્બર મહિનાના સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય એવું મને લાગે છે. વર્ષ 2012-2017માં 12 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે 10થી 12 દિવસ વહેલા ચૂંટણી આવી જાય તેવું મારૂ માનવું છે. જોકે મને કોઈએ આવું કહ્યું નથી. મારી સાથે કોઈની વાત નથી થઈ. હમણાં પત્રકાર મિત્રો બ્રેકિંગ ચલાવી દેશે કે અધ્યક્ષે તારીખ જાહેર કરી દીધી, પરંતુ ચૂંટણીની તારીખ જાહેર કરવાની સત્તા મારી પાસે નથી. ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને અનુપ ચંદ્રાના વડપણ હેઠળની કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ 26 સપ્ટેમ્બરે 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી છે.
ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકો યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસે ચૂંટણી ગેરરીતિઓ દૂર કરવાની અને ડુપ્લિકેટ વોટર્સને રદ કરવાની માગણી કરી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ ચૂંટણી માટે તૈયાર છે. અત્યારની કેન્દ્ર સરકારે દેશની બંધારણીય પ્રક્રિયાને નબળી પાડીને હાઇજેક કરી છે.