ભારતની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટ-અપ અને ઓનલાઇન એજ્યુકેશન કંપની બાઇજુ અમેરિકાના કોડિંગ પ્લેટફોર્મ ટીન્કર 200 મિલિયન ડોલરમાં ખરીદશે. આ સોદો કેશ અને સ્ટોકમાં થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. કોડિંગ સાઇટ ટિન્કરની સ્થાપના ક્રિષ્ના વેદાતી, શ્રીનિવાસ માન્ડયામ અને કેલ્વિન ચોંગે કરી હતી અને હાલમાં તેઓ કંપનીની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ચીફ ટેકનોલોજી ઓફિસર અને ચીફ આર્કિટેક્ટ છે. એક્વિઝન પછી પણ તેઓ પોતાના હોદ્દા પર ચાલુ રહે તેવી શક્યતા છે.
કંપનીએ 16 સપ્ટેમ્બરે આ સોદાની જાહેરાત કરી હતી, પરંતુ સોદાની રકમ જાહેર કરી ન હતી. બાઇજુએ આ વર્ષે નવ એક્વિઝિશન કર્યા છે. ટીન્કરએ 2013માં સર્વિસ લોન્ચ કરી હતી. કંપની કોડિંગ પ્લેટફોર્મ પર ક્લાસ અને કેમ્પ એજ્યુકેશન ઓફર કરે છે.
ટીન્કરના વૈશ્વિક યુઝર બેઝમાં 60 મિલિયન વિદ્યાર્થી અને આશરે એક લાખ સ્કૂલનો સમાવેશ થાય છે. બાઇજુએ હવે અમેરિકામાં એપિક, ઓસ્મો સહિત ત્રણ એજ્યુકેશન સ્ટાર્ટ-અપ ખરીદ્યા છે. બાઇજુએ ત્રણ વર્ષમાં અમેરિકામાં એક બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે. બાઇજુ ભારતમાં ઓનલાઇન એજ્યુકેશનની પ્રણેતા છે. આ સ્ટાર્ટ-અપનું મૂલ્ય 16.5 બિલિયન ડોલર છે.