દેશની વિવિધ ઇન્ડસ્ટ્રી અને બિઝનેસીસના સ્થાપકો, ચીફ એક્ઝિક્યુટિવ્સ અને ફાઇનાન્સ, રીટેઇલ અને પ્રોડક્શન કંપનીઓના 121 ભૂતપૂર્વ બિઝનેસ લીડર્સે “પરિવર્તનનો સમય” છે એમ જણાવી સામાન્ય ચૂંટણી પહેલા લેબર પાર્ટીની આર્થિક યોજનાઓને ટેકો આપતો એક પત્ર લખ્યો છે.
શેડો ચાન્સેલર રશેલ રીવ્સ બિઝનેસ સમર્થકોને ચૂંટણી ઝુંબેશનું તેમનું પ્રથમ મુખ્ય ભાષણ આપવા તૈયારી કરી રહ્યા છે ત્યારે મંગળવારના ટાઈમ્સ અખબારમાં પ્રકાશિત થયેલા પત્રમાં જણાવાયુ છે કે લેબર બદલાઈ ગયું છે અને લાંબા ગાળાની વૃદ્ધિ પર “વ્યાપાર સાથે કામ કરવા માંગે છે”.
મનાય છે કે રીવ્સ “દેશના ઇતિહાસમાં સૌથી વધુ પ્રો-ગ્રોથ ટ્રેઝરી”નું નેતૃત્વ કરશે.
2015ની ચૂંટણી પહેલા, 100 કોર્પોરેટ નેતાઓએ આવો જ પત્ર લખી કન્ઝર્વેટિવ્સને સમર્થન આપ્યું હતું. તેમાંના એક અને સુપરમાર્કેટ ચેઈન આઈસલેન્ડના સ્થાપક માલ્કમ વોકર હવે તેના બદલે લેબરને સમર્થન આપનાર છે.
આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં ટીવી શેફ અને રેસ્ટોરન્ટર ટોમ કેરીજ, હીથ્રો એરપોર્ટના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ જોન હોલેન્ડ-કાય, જેડી સ્પોર્ટ્સના ચેરમેન એન્ડ્ર્યુ હિગિન્સન અને વિકિપીડિયાના સ્થાપક જીમી વેલ્સનો સમાવેશ થાય છે.
કેટલાક કન્ઝર્વેટિવ બિઝનેસ ફિગર્સે જણાવ્યું હતું કે ટોરી પાર્ટીએ બિઝનેસ એન્ડોર્સમેન્ટ લેટર ગોઠવવા માટે 2015 જેવો કોઈ પ્રયાસ કર્યા નથી.
ટ્રેઝરીના ચિફ સેક્રેટરી લૌરા ટ્રોટે કહ્યું હતું કે “ઋષિ સુનક અને કન્ઝર્વેટિવ્સ પાસે સ્પષ્ટ યોજના છે કે જેના પર બિઝનેસીસ વિશ્વાસ કરી શકે છે. આધુનિક ઈતિહાસમાં સૌથી મોટા બિઝનેસ ટેક્સ કટને અમલમાં મૂકવા અમે બોલ્ડ પગલાં લીધા છે.”
લિબ ડેમ્સે બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે બિઝનેસીસ “કંઝર્વેટિવ્સની અરાજકતા અને ગેરવહીવટના વર્ષો પછી સ્થિરતા અને નિશ્ચિતતા માટે પોકાર કરી રહ્યા છે”.