એકાઉન્ટન્સી અને બિઝનેસ એડવાઇઝરી કંપની બીડીઓના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 19 જુલાઈના રોજ લોકડાઉન ઉઠાવવાના નિર્ણયથી યુકેના બિઝનેસીસમાં તેજીના એંધાણ વરતાઇ રહ્યા છે. 2005 પછી પહેલા વખત કંપનીઓને તેજીની સૌથી વધુ આશા જણાઇ રહી છે. કોવિડ કેસોમાં ઉછાળો હોવા છતાં પણ ઇંગ્લેન્ડમાં 19 જુલાઈથી કોવિડ પ્રતિબંધો સમાપ્ત કરાશે તેવી ધારણા છે અને કર્મચારીઓને તા. 19થી કામ પર પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે.
બીડીઓના પાર્ટનર કેલી ક્રોસ્થવાઇટે જણાવ્યું હતું કે ‘’અણધાર્યા પરિવર્તનના કષ્ટદાયક વર્ષ પછી, બિઝનેસીસ સ્પષ્ટપણે 19 જુલાઈના રોજ પ્રતિબંધો હટાવાય તેની રાહ જોઈ રહ્યા છે. આ પ્રતિબંધોનો અંત સમયસરનો છે, જોકે કોવિડ-19ના વધતા જતા કેસો હજુ પણ અનિશ્ચિતતાનું કારણ બની શકે છે.’’
બ્રેક્ઝિટ, રોગચાળો અને સુએઝ કેનાલમાં આવેલા અવરોધને કારણે ચાલુ વર્ષની શરૂઆતમાં ખર્ચ વધવાના કારણે ફુગાવો ચાર વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હોવાનો અહેવાલ કંપનીઓએ આપ્યો હતો. એક્સેન્ટર અને આઈએચએસ માર્કિટ યુકે દ્વારા કરવામાં આવેલા 1,400 બિઝનેસીસના સર્વે મુજબ યુકેની ખાનગી ક્ષેત્રની 66 ટકા કંપનીઓ આગામી વર્ષમાં બિઝનેસ પ્રવૃત્તિમાં વૃદ્ધિની અપેક્ષા રાખે છે. તેની સામે ફક્ત 9 ટકાએ પતનની આગાહી કરી હતી. જે છ વર્ષમાં સૌથી વધુ બિઝનેસની આગાહી કરે છે.