થર્ડ પાર્ટી બ્રાન્ડ માટે સ્વાદિષ્ટ સ્નેક્સનું ઉત્પાદન કરતી યુરોપની અગ્રણી કંપની યુરોપ સ્નેક્સે બુધવાર, 8 ફેબ્રુઆરીએ બર્ટ્સ સ્નેક્સનો 100% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. આ એક્વિઝનથી યુરોપ સ્નેક્સને યુરોપના સૌથી મોટા સ્નેક્સ માર્કેટમાં તેની વૃદ્ધિને વેગ આપવામાં મદદ મળશે. આ એક્વિઝિશનની પ્રક્રિયા માર્ચ 2023 સુધી પૂરી થવાની ધારણા છે. યુકેમાં 1995માં સ્થપાયેલ બર્ટ્સ હાઇ ક્વોલિટી સ્નેક્સ પ્રોડક્ટ ઉત્પાદક છે.
એપેક્સ પાર્ટનર્સ સમર્થિત યુરોપ સ્નેક્સે 2016માં કોલક સ્નેક ફૂડ્સના સંપાદન સાથે યુકેના માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. બર્ટ્સનું એક્વિઝિશન યુકેમાં આ ગ્રૂપના વિસ્તરણનું વધુ એક પગલું છે. બંને કંપનીઓનો પ્રોડક્ટ્સ પોર્ટફોલિયો એકબીજાને પૂરક છે.
યુકેમાં બંને કંપનીઓના કોમ્બિનેશનથી આ ગ્રૂપ હાલના ક્લાયન્ટને વધુ સારી સર્વિસ તથા વિવિધ શ્રેણીની સ્વાદિષ્ટ સ્નેકિંગ પ્રોડક્ટ્સ ઓફર કરી શકશે. વર્તમાન મેનેજિંગ ડિરેક્ટર ડેવ મેકનલ્ટીની આગેવાની હેઠળ બર્ટ્સ પ્લાયમાઉથ અને લેસ્ટરમાં તેની બે પ્રોડક્શન ફેસિલિટીની કામગીરી ચાલુ રાખશે.
યુરોપ સ્નેક્સના સીઇઓ એટીની લેકોમ્ટે જણાવ્યું હતું કે: “અત્યંત અનિશ્ચિત આર્થિક સ્થિતિમાં એક એવું કદ હાંસલ કરવું જરૂરી છે કે જેથી અમે અમારા લોકો અને અમારી ફેક્ટરીમાં રોકાણ ચાલુ રાખી શકીએ. અમારા શેરહોલ્ડર્સના વિશ્વાસને પગલે આ શક્ય બન્યું છે અને ગ્રૂપમાં બર્ટ્સ ટીમનું સ્વાગત કરતાં મને ખૂબ જ ગર્વ છે.
બર્ટ્સના ચેરમેન જીતુ પટેલે જણાવ્યું હતું કે “બર્ટ્સ ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ પૂરી પાડે છે અને ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ કર્યા વિના વૃદ્ધિનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. 2006માં કંપનીમાં રોકાણ કર્યું ત્યારથી, તે ખૂબ જ આનંદપ્રદ અને પ્રભાવશાળી સફર રહી છે. યુરોપ સ્નેક્સ માટે મને ખૂબ સન્માન છે. મને ખાતરી છે કે આ એક્વિઝિશન નવી તકો ખોલશે, કારણ કે બંને બિઝનેસ એકબીજાના પૂરક છે અને સહિયારા મૂલ્યો ધરાવે છે. વર્ષોથી બર્ટ્સ ફેમિલી સાથે કામ કરવું એ સન્માનની વાત છે અને હું સંયુક્ત કંપનીને આવનારા વર્ષોમાં દરેક સફળતાની શુભેચ્છા પાઠવુ છું.”