સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં અને આણંદના ખંભાતમાં રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાની સમીક્ષા કરવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ ગૃહ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. ગુજરાતની શાંતિ ડહોળવા માંગતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસને આદેશ આપવામાં આવ્યો હતો. આ હિંસાને ગંભીરતાથી લઈ ગૃહ વિભાગે અને પોલીસે આ હિંસામાં સંડોવાયેલા તત્વો સામે સખત પગલાં ભરવાની કાર્યવાહી કરી દીધી છે, એવું ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને જણાવ્યું હતું. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ બેઠકમાં માહિતી આપતા જણાવ્યું કે, બંને જગ્યાએ થયેલી હિંસાના મામલે ખંભાતમાં 9 લોકોની અને હિંમતનગરમાં 22 લોકોની મળી કુલ 31 શખસોની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહ વિભાગ અને પોલીસ વિભાગને સ્પષ્ટપણે જણાવ્યું કે, શાંત, સલામત, સુરક્ષિત અને વિકસિત રાજ્ય તરીકેની ગુજરાતની દેશભરમાં ખ્યાતિ છે. જેને જાળવી રાખવા પોલીસ તંત્ર સમાજ જીવનની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરે. રાજ્યમાં શાંતિ, સલામતી અને સામાજીક સૌહાર્દ જળવાઈ રહે તે માટે સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આમાં અડચણરૂપ તત્વોને કોઈ પણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહીં. આ બેઠકમાં મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયા અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.