ફાઇલ ફોટો: મહમૂદ કામની (Photo: Jerritt Clark/Getty Images)

લેસ્ટરની એક ફેક્ટરીમાં કામકાજની નબળી સ્થિતિ અંગેના એક મીડિયા રિપોર્ટ બાદ બ્રિટિશ ઑનલાઇન ફેશન રિટેલર બૂહૂએ કોઈ પણ સપ્લાયર આચારસંહિતાનો ભંગ કરશે કે ધોરણોને પૂર્ણ  નહિં કરે તો તેમની સાથેના વ્યાપારિક સંબંધોને સમાપ્ત કરશે, એમ સોમવાર તા. 6ના રોજ જણાવ્યું હતું.

બૂહૂ માટે કપડા બનાવતી લેસ્ટરની એક ફેક્ટરીમાં કામ કરનારા લોકોને એક કલાકના માત્ર £3.50  જેટલું જ વેતન આપવામાં આવે છે તેવા સન્ડે ટાઇમ્સ અખબારના અહેવાલ પછી બૂહૂના શેરમાં 12 ટકાનો ઘટાડો થયો હતો. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે જસ્વાલ ફેશન્સ નામની સાઇન ધરાવતી ફેક્ટરી, ગયા અઠવાડિયે લેસ્ટરમાં સ્થાનિક કોરોનાવાયરસ લોકડાઉન દરમિયાન પણ વધારાની સ્વચ્છતા અથવા સામાજિક અંતરના પગલાં લીધા વગર ચાલુ રહી હતી.

લંડનના એઆઈએમ માર્કેટમાં લગભગ £5 બિલીયનની મૂડી સાથેની સૌથી મોટી કંપની ગણાતી બૂહુએ જણાવ્યું હતું કે “જસવાલ ફેશન્સની પરિસ્થિતિઓને પ્રકાશિત કરવા બદલ અમે સન્ડે ટાઇમ્સના આભારી છીએ. અંડરકવર પત્રકાર દ્વારા લખવામાં આવેલા અહેવાલ મુજબની હાલત સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. પ્રારંભિક તપાસમાં જસવાલ ફેશન્સ જાહેર કરાયેલ સપ્લાયર નથી અને ગારમેન્ટ મેન્યુફેક્ચરર તરીકે હવે વેપાર કરતા નથી, તેવું સૂચવે છે કે કોઈ બીજી કંપની જસવાલના અગાઉના સ્થળનો ઉપયોગ કરતી હતી.’’

બુહુએ કહ્યું હતું કે ‘’તે આ કંપનીની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. અમારા કપડા તેમના હાથમાં હતા તે અંગેની સંપૂર્ણ તપાસ માટે અમે તાત્કાલિક પગલાં લઈ રહ્યા છીએ અને અમે ખાતરી કરીશુ કે અમારા સપ્લાયર્સ તરત જ આ કંપની સાથે કામ કરવાનું બંધ કરે. અમે જેની સામે પ્રશ્નો ઉભા થયા છે તે ઉત્પાદક સાથે સબકન્ટ્રેક્ટ તરીકે કામ કરતા કોઈપણ સપ્લાયર્સ સાથે અમારા સંબંધોની તાકીદે સમીક્ષા કરીશું.”

ગાર્મેન્ટ વર્કર્સ રાઇટ્સ ગ્રૂપે જણાવ્યું કે લેસ્ટરની ફેક્ટરીઓમાં કામદારોને કોરોનાવાયરસ ચેપનું જોખમ છે ત્યારે બુહુએ પોતાની વ્યવસાયિક પદ્ધતિનો બચાવ કર્યો હતો.

રવિવાર તા 5ના રોજ, બ્રિટનના હેલ્થ મિનીસ્ટર મેટ હેનકોકે કહ્યું હતું કે તેઓ લેસ્ટરમાં ફેક્ટરીની સ્થિતીથી ચિંતિત છે.