ભારતમાં સંસદના બજેટ સત્રનો 29 જાન્યુઆરીથી પ્રારંભ થયો હતો. સત્રના પ્રથમ દિવસે સંસદ ભવન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ દાયકાનું પહેલું બજેટ આ સત્રમાં રજૂ થવાનું છે, જે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ મહત્વનું બની રહેશે. બજેટ સત્રના આરંભે રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહોને સંબોધન કર્યું હતું. જોકે, કોંગ્રેસ સહિતના 19 વિપક્ષોએ રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કર્યો હતો. આંદોલન કરી રહેલા ખેડૂતોનો સાથ આપતા વિપક્ષોએ ખેડૂતોની માગ અનુસાર ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માગ કરી છે.
કોરોના કાળ બાદ પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સામાન્ય બજેટ રજુ કરશે. આ વખતના બજેટમાં તેમની પાસેથી ઘણી આશાઓ તેમજ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી અને 8 માર્ચથી લઈને 8 એપ્રિલ સુધી ચાલશે, અને આ દરમિયાન 33 બેઠકો મળશે. આ વખતનું બજેટ સત્ર તોફાની બની રહેવાની પૂરી શક્યતા છે. ખેડૂત આંદોલનના આધાર પર વિપક્ષો એક થઈ સરકારને ઘેરવા માટે તૈયાર છે. તેમાંય 26મી જાન્યુઆરીએ રાજધાનીમાં થયેલી હિંસા મુદ્દે વિપક્ષો સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.