ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલે બુધવાર, 3 માર્ચે રાજ્યનું 2021-22ના વર્ષનું રૂ.2.27 લાખ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. બજેટમાં કોરોના મહામારીથી પીડાતી પ્રજા વેરામાં કોઇ રાહતની જાહેરાત કરાઈ નથી. તેની સાથે કોઇ નવા વેરા લાદ્યા નથી કે હાલના વેરામાં વધારો કર્યો નથી. નાણાપ્રધાન રાજ્યની પ્રજાને રાહત આપવાની જગ્યાએ રૂ.587.88 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કર્યું હતું. આ વખતનું રૂ.2.27 લાખ કરોડનું બજેટ ગયા વર્ષના બજેટ કરતાં રૂ.10,000 કરોડથી વધુ છે.
કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકારે પણ આ વખતે પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત સરકારે એક સ્ટેપ આગળ વધીને ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી હતી અને તેમાં બજેટના તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યાં હતા.
નાણાપ્રધાને કેટલીક મહત્ત્વની જાહેરાતમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી, ચાર શહેરોમાં મેટ્રો રેલ ચાલુ કરવાની, છ શહેરોમાં હેલિપોર્ટ બનાવવાની, યાત્રાધામનો વિકાસ કરવાની, બે મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાની, દેશની પ્રથમ સર્વિસ સેક્ટર યુનિવર્સિટીની સ્થાપના કરવાની અને 2022 સુધીમાં 55,000 ઘરનો સમાવેશ થાય છે.
બજેટમાં મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સ ગણાતા સ્ટ્રેચ્યુ ઓફ યુનિટને વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર બનાવવા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. નીતિન પટેલે પોતાના બજેટમાં પ્રવચનમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે રૂ.652 કરોડની જોગવાઈ કરાઈ છે. કેવડિયામાં સંગ્રહાલય માટે રૂ.25 કરોડની જોગવાઈ કરાઈ છે. અહીં ડ્રેગન ફ્રૂટ કે કમલમની ખેતી કરવાની પણ બજેટમાં જાહેરાત કરી હતી. તે માટે રૂ.15 કરોડની જોગવાઇ ફાળવણી કરવામાં આવી છે.
નીતિન પટેલની જાહેરાત મુજબ વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો ટ્રેન ચાલુ કરાશે. તે માટે રાજ્ય સરકારે રૂ.50 કરોડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અમદાવાદ, સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા, ગીરમાં હેલિપોર્ટ બનાવની દરખાસ્ત છે.
યાત્રાધામ વિકાસ માટે રૂ.154 કરોડની જોગવાઈ કરાઈ છે, જે મુજબ પાવાગઢના માંચી, કચ્છના નારાયણ સરોવર, કચ્છના માતાના મઢ અને ગાંધીનગરના કંથારપુર વડનો યાત્રાધામ તરીકે વિકાસ થશે. યાત્રાધામ બહુચરાજીના વિકાસ માટે રૂ.10 કરોડની દરખાસ્ત છે.
રાજ્યમાં સિંહોની વસતી જતી ઘટી વસતીને ધ્યાનમાં રાખીને બજેટમાં ભારત સરકારના લાયન પ્રોજેક્ટ માટે રૂ.11 કરોડની જોગવાઈ કરાઈ છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર યોજના બનાવશે.
રાજ્યના ઔદ્યોગિક વિકાસને જાળવી રાખવા માટે ગુજરાતમાં બે મેગા ટેક્ષટાઈલ પાર્ક સ્થપાશે થશે. ભરૂચના જંબુસરમાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે અને રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. આ ઉપરાંત 9 GIDCમાં MSME માટે મલ્ટી લેવલ શેડની યોજના છે અને 7 GIDCને મોડેલ એસ્ટેટ તરીકે વિકસાવાની યોજના છે.
આ ઉપરાંત નીતિન પટેલે અમદાવાદની સાયન્સ સીટીમાં બાળકો માટે ટોય મ્યુઝિયમ બનાવવાની, વિધાનસભા પરિસરમાં સંગ્રહાલય બનાવાની અને વડનગરમાં રૂ.13 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરી હતી.
ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાઇનાન્શિયલ સેન્ટર તરીકે વિકસાવાની યોજનામાં સરકાર આગળ વધી છે. નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારની સંપૂર્ણ માલિકીના ગિફ્ટ સિટીમાં આગામી દિવસોમાં રૂ.100 કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. હાલમાં ગિફ્ટ સિટીમાં બેન્કિંગ, ઈન્સ્યોરન્સ, ફાઇનાન્સ સહિતના સેક્ટર્સની 200થી વધુ કંપનીઓ કાર્યરત છે.
રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ દાહોદ નગરપાલિકાને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ રૂ. 700 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ, સુરત અને ગાંધીનગરને મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ હેઠળ રૂ. 568 કરોડની ફાળવણી કરાઈ છે.