બ્રિટનના સૌથી મોટા ટેલિકોમ અને બ્રોડબેન્ડ ગ્રૂપ બીટીએ 2030 સુધીમાં 40,000થી 55,000 કર્મચારીઓની છટણી કરવાની 18મેએ જાહેરાત કરી હતી. તેનાથી કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યામાં 31થી 42 ટકા સુધીનો જંગી ઘટાડો થશે. બીટીના કર્મચારીઓ અને થર્ડ પાર્ટી વર્કર્સ સહિતના કર્મચારીઓ રોજગારી છીનવાશે. ફાઇબર રોલઆઉટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી ટેકનોલોજીના ઉપયોગને કારણે ગ્રૂપ આવી મોટાપાયે છટણી થશે.
અગાઉ બીટી ગ્રૂપની હરીફ વોડાફોને પણ તેના વૈશ્વિક સ્ટાફમાં 11,000નો કાપ મૂકવાની જાહેરાત કરી હતી. બીટી ગ્રૂપ ફિલિપ જેન્સેનના વડપણ હેઠળ નેશનલ ફાઇબર નેટવર્ક સ્થાપવાની સાથે સાથે હાઇ-સ્પીડ 5G મોબાઇલ સેવાઓ શરૂ કરવા માટે પરિવર્તન યોજના પર કામગીરી કરી રહી છે.
જેન્સેને જણાવ્યું હતું કે ફાઇબર રોલ-આઉટ, કામગીરીના ડિજિટલાઇઝેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અપનાવીને અને તેનું માળખું સરળ બનાવ્યા પછી, બીટી 2020ના દાયકાના અંત સુધીમાં ઓછા વર્કફોર્સ અને ઓછા ખર્ચ પર આધાર રાખશે. નવું બીટી ગ્રૂપ કદમાં નાનું અને ઉજ્જવળ ભવિષ્ય સાથેનું હશે.
ગ્રૂપના કામદારોની કુલ સંખ્યા 130,000થી ઘટીને 2030ના નાણાકીય વર્ષ સુધીમાં 75,000 અને 90,000ની વચ્ચે થઈ જશે. તેના વર્તમાન કર્મચારીઓમાંથી લગભગ 30,000 કોન્ટ્રાક્ટર છે. જેન્સેને જણાવ્યું હતું કે ફાઇબર નેટવર્કના નિર્માણ અને થ્રીજી સર્વિસ બંધ કરવાની કામગીરી પૂર્ણ થયા પછી નોકરીઓમાં કાપની ગતિ ઝડપી બનશે.
તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ નેટવર્ક ચલાવવા માટે લગભગ 10,000 ઓછા નેટવર્ક એન્જિનિયરોની જરૂર પડશે, જ્યારે ઓટોમેશન અને AI જેવી ટેક્નોલોજી અન્ય 10,000 કર્મચારોની જગ્યા લેશે. AIનો ઉપયોગ કરવા માટે “વિશાળ તકો” છે. BT વધુ સારી ગ્રાહક સેવા આપવા માટે AIનો ઉપયોગ કરશે.