કેન્દ્રીય કેબિનેટે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNLને ફરી બેઠી કરવા માટે રૂ.1.64 લાખ કરોડના જંગી પેકેજને મંજરી આપી છે. BSNL સાથે ભારત બ્રોડબેન્ડ નિગમ (બીબીએનએલ)ને મર્જ કરીને તેના ફાઇબર નેટવર્કને વિસ્તૃત કરાશે અને બેલેન્સશીટને દેવાબોજથી હળવી કરાશે. કંપનીને ટેલિકોમ સર્વિસના અપગ્રેડેશન માટે નવી મૂડી અને સ્પેક્ટ્રમ મળશે.
કેન્દ્રીય કેબિનેટે લીધેલા નિર્ણયની માહિતી આપતા ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પેકેજમાં કેશનો હિસ્સો રૂ.43,964 કરોડ અને નોન કેશનો હિસ્સો રૂ.1.2 લાખ કરોડ રહેશે. ચાર વર્ષમાં કંપનીને આ સહાય મળશે. સરકારે 4G સર્વિસ ઓફ કરવા માટે જરૂરી સ્પેક્ટ્રમની તેને ફાળવણી કરશે. ઇક્વિટી રોકાણ મારફત રૂ.44,993 કરોડના 900/1800 MHz બેન્ડના સ્પેક્ટ્રમની ફાળવણી કરાશે.
તેમણે જણાવ્યું હતું કે આગામી ચાર વર્ષમાં અંદાજિત મૂડીખર્ચને પહોંચી વળવા માટે સરકાર 4G ટેકનોલોજી વિકસાવવા માટે રૂ22,471 કરોડના મૂડીખર્ચ માટે સહાય કરશે. કંપનીને 2014-15થી 2019-20 દરમિયાન ખોટ કરતાં ગ્રામીણ વાયરલેસ બિઝનેસ માટે રૂ.13,789 કરોડની વાયેબિલિટી-ગેપ-ફંડિંગ પણ મળશે.
બેલેન્સશીટને દેવાબોજથી હળવી બનાવવા માટે બીએસએનએલના રૂ.33,404 કરોડના દેવાને ઇક્વિટીમાં ફેરવવામાં આવશે. આ ઉપરાંત હાલની લોન ભરપાઈ કરવાના નાણા ઊભા કરવા માટે સરકાર સોવરિન ગેરંટી આપશે. ભારતનેટ હેઠળ પાથરવામાં આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વ્યાપક ઉપયોગ માટે બીબીએનએલને બીએસએનએલમાં મર્જ કરશે. ભારતનેટ હેઠળ ઊભું કરાયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાષ્ટ્રીય સંપત્તિ રહેશે, જેનો તમામ ટેલિકોમ કંપનીઓ ઉપયોગ કરી શકશે.