પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદે ભારતમાં નશીલા પદાર્થોનો જથ્થો ફેંકીને પરત જઈ રહેલા પાકિસ્તાની ડ્રોનને BSFના સૈનિકોએ આંતરીને ઉડાવી માર્યું હતું. આ ડ્રોન પાકિસ્તાનની હદમાં તૂટી પડ્યું હતું અને તેને પાકિસ્તાન રેન્જર્સ લઈ ગયા હતા. આ ઘટના અમૃતસરમાં ડાઓકે બોર્ડર ચોકી પાસે બની હતી
બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બુધવારે સવારે શોધખોળ કરવામાં આવી ત્યારે ડ્રોન ભારતીય બોર્ડર પોસ્ટ ભરોપાલની સામે પાકિસ્તાનના ક્ષેત્રમાં 20 મીટર અંદર પડેલું જોવા મળ્યું હતું. સૈનિકોને આ વિસ્તારમાં એક પેકેડ મળી આવ્યું હતું. તેમાં 4.3 કિગ્રા હિરોઇન હતું. અધિકારીઓએ કહ્યું કે એવી આશંકા છે કે ડ્રગનું આ પેકેટ પાકિસ્તાની ડ્રોને નીચે ફેંક્યું હતું. ડ્રોન નજર પડ્યા બાદ બીએસઇના જવાનોએ ફાયરિંગ કર્યું હતું. તે થોડી મિનિટો માટે આકાશમાં દેખાયું હતું અને પછીથી સરહદની પેલે પાર પડ્યું હતું.
ડ્રગ્સ સંબંધિત બીજી એક ગતિવિધિમાં બીએસએફના જવાનોએ બુધવારે ફઝિકા જિલ્લાના એક ખેતરમાંથી 25 કિગ્રા હેરોઇન ઝડપી લીધું હતું. જિલ્લાના ગટ્ટી અજૈબ સિંહ ગામ પાસે ભારત-પાકિસ્તાન સરહદની વાડની બંને બાજુએ કેટલીક ગતિવિધિઓ ધ્યાનમાં આવ્યા બાદ સૈનિકો એલર્ટ થઈ ગયા હતા. બીએસએફના જવાનોએ સરહદની વાડ નજીક ઊભેલા પાકિસ્તાની દાણચોરો તરફ ગોળીબાર કર્યો હતો. જો કે ગાઢ ધુમ્મસનો લાભ લઈને દાણચોરો ભાગવામાં સફળ થયા હતા.