અમેરિકાની પ્રતિષ્ઠિત સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં ફ્લોરિડાના 12 વર્ષના ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થી બ્રુહત સોમાએ ગુરુવારે ટાઇટલ જીત્યું હતું. સાતમાં ગ્રેડમાં અભ્યાસ કરતાં સોમાએ ટાઈબ્રેકરમાં 29 શબ્દોની સાચી જોડણી બોલી ખિતાબ જીત્યો હતો. આની સાથે પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકનનો દબદબો જળવાઈ રહ્યો હતો.
બ્રુહત સોમાને 50,000થી વધુ રોકડ અને અન્ય ઇનામો મળ્યા હતાં. આ વર્ષની સ્પર્ધામાં ટાઇ પડી હતી. જોકે બ્રુહતે 90 સેકન્ડમાં 29 શબ્દોની સાચી જોડણી કરી ફૈઝાન ઝાકીને પરાજય આપ્યો હતો. તેનો ચેમ્પિયનશિપ શબ્દ “abseil” હતો. રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ત્રણ દિવસમાં 14 રાઉન્ડ બાદ વિજેતા નક્કી કરાયા હતાં.
આયોજકોએ જણાવ્યું હતું કે “બ્રુહત સોમા શબ્દ પર શાસન કરે છે! 2024 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીનો ચેમ્પિયન! અવિશ્વસનીય યાદશક્તિ ધરાવતો વિદ્યાર્થી આખા અઠવાડિયમાં એક શબ્દ પણ ચૂકયો નથી અને સ્ક્રીપ્સ કપ ઘરે લઈ જાય છે!”
બ્રુહત સોમાએ પ્રતિષ્ઠિત ચેમ્પિયન ખિતાબ મેળવવાના પ્રયાસમાં 30થી 29 શબ્દોની સાચી જોડણી કરી હતી અને 2022ના હરિની લોગાનના સ્ટેન્ડિંગ સ્પેલ-ઓફ રેકોર્ડને તોડ્યો હતો. લોગાને સ્પર્ધાના પ્રથમ સ્પેલ-ઓફ રાઉન્ડ દરમિયાન 26માંથી 22 શબ્દોની સાચી જોડણી કરી હતી.
EW સ્ક્રિપ્સ કંપનીના પ્રમુખ અને CEO એડમ સિમસને બ્રુહતને ચેમ્પિયનશિપ ટ્રોફી આપી હતી.બ્રુહતના પિતા શ્રીનિવાસ સોમા મૂળ તેલંગાણાના નાલગોંડાના છે. ટેક્સાસના એલન ઝાકીને 25,000 મળ્યા હતાં. સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહેલા કેલિફોર્નિયાના રેન્ચો કુકામોંગાના શ્રે પરીખને 12,500 ડોલર મળ્યાં હતા.