અમદાવાદ એરપોર્ટથી ઇસ્કોન સુધીની મહાનગરપાલિકાની BRTS બસ સુવિધાનો સોમવારથી ઈલેક્ટ્રિક બસ સાથે પુનઃપ્રારંભ થયો છે. વિદેશ જતાં અને આવતા મુસાફરોની સુવિધા માટે બીઆરટીએસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ મહામારીના કારણે તમામ દેશોમાં હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મૂકાતા અમદાવાદ એરપોર્ટ પર થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું અને બસ સેવા પર રોકી દેવાની ફરજ પડી હતી. આ બસ ઈસ્કોન ક્રોસ રોડથી ઉપડશે અને રામદેવનગર, ઈસરો, સ્ટાર બજાર, જોધપુર રોડ ચાર રસ્તા, હિંમતલાલ પાર્ક, અંધજન મંડળ, યુનિવર્સિટી, મેમનગર, વાળીનાથ ચોક, સોલા ચાર રસ્તા, જયમંગલ, પ્રગતિનગર, અખબારનગર, ભાવસાર હોસ્ટેલ, રાણિપ ચાર રસ્તા અને આરટીઓ જઈને એરપોર્ટ જશે.
વિશ્વના દેશોએ કોવિડ-19ની રસી લીધી હોય તેવા મુસાફરોને પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે ત્યારે એરપોર્ટ પર પણ ધસારો વધ્યો છે. તેથી, મહાનગરપાલિકાએ બસ સેવા શરૂ કરવાનું નક્કી કર્યું છે. અગાઉ બીઆરટીએસની ડીઝલ બસ મૂકવામાં આવી હતી, જો કે હવે સીસીટીવી અને એસી જેવી સુવિધાથી સજ્જ ઈલેક્ટ્રોનિક બસ મૂકવામાં આવી છે. આ 19 કિમીના રૂટમાં 15 જેટલી બસ મૂકવામાં આવશે. એએમસીનો અંદાજ દર્શાવે છે કે, એસવીપીઆઈ એરપોર્ટ પરથી 9 હજાર મુસાફરો પરિવહન કરે છે અને શટલ બસ સેવા યાત્રિઓ માટે શહેરના વિવિધ ભાગોમાં જવા માટે ઉપયોગી થશે. બસમાં મુસાફરી કરવાનો ટિકિટ દર 50 રૂપિયા જેટલો રાખવામાં આવ્યો છે, જેની ચૂકવણી રોકડ અથવા ડિજિટલ પેમેન્ટ અથવા જન મિત્ર કાર્ડ દ્વારા કરી શકાશે. શટલ બસ સર્વિસ સવારે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી મળશે, જે દર 30 મિનિટે આવશે.