(istockphoto.com)

બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સી (એનસીએ) દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહેલી કાર્યવાહીના અંતે જાહેર જીવન માટે જોખમ ઊભું કરવા અને સામેની વ્યક્તિને ઇજા પહોંચાડવા માટે એક ગુજરાતી યુવાન સામે શસ્ત્રો અને દારૂગોળો રાખવાનો કેસ કરાયો હતો. ચેશાયરના ૨૬ વર્ષના હિતેશ પટેલને તેના અન્ય બે સાથીઓ બિલાલ ખાન અને ઉમર ઝહીર સાથે ગયા સપ્તાહે માંચેસ્ટરની મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. મોટા પાયે શસ્ત્રો પહોંચાડવા અને શસ્ત્રો રાખવાની એનઆઇએની તપાસના ભાગ રૂપે તેમના ચોથા સાથીદાર બ્રિટિશ નાગરિક રોબર્ટ બ્રાઝેન્ડેલની યુરોપીયન એરેસ્ટ વોરન્ટના આધારે સ્પેનમાંથી ધરપકડ કરાઇ હતી.

બ્રાઝેન્ડલ પણ ચેશાયરમાં જ રહે છે જેને સ્પેનમાં રિમાંડ માટે કસ્ટડીમાં મોકલી અપાયો હતો અને હવે તેની બ્રિટન મોકલવાની પ્રત્યાર્પણની પ્રક્રિયા હાથ ધરાશે.’ચાલુ વર્ષે જુલાઇમાં જાહેર કરાયેલ ઓપરેશન વેનેટિક હેઠળ એનસીએની લાંબા સમયની તપાસના અંતે સ્પેનીશ પોલીસ આ ધરપકડ કરી હતી. આ તપાસના ભાગરૂપે, એનસીએ અનેે અમારી પોલીસ સૌથી ઘાતક મનાતા શસ્ત્રોને દૂર કર્યા હતા. અમારા દેશ અને સમાજમાં શસ્ત્રો લાવતા બદમાશોને અમે આ રીતે જ પકડી પાડીશું’એમ એનસીએના વડા નીલ ગાર્ડનરે કહ્યું હતું.

એનસીએ દ્વારા ઓપરેશન વેનેટિકના એક ભાગરૂપે ચાલુ વર્ષની શરૂઆતમાં તપાસ શરૂ કરાઇ હતી.એન્ક્રોચેટ સંદેશા વ્યવહારની વૈશ્વિક એન્ક્રિપ્ટેડ સેવાના રહસ્યો શોધવા યુકેની આ એજન્સીએ કામગીરી કરી હતી. એપ્રિલમાં ઓપરેશન વેનેટિક હેઠળ અધિકારીઓએ ચેશાયરના વોરિંગનની એક ઇમારતમાં છુપાવી રાખેલા એકે ૪૭ એસોલ્ટ રાઇફલ સહિત મોટી માત્રામાં શસ્ત્રો જપ્ત કર્યા હતા. ચાલુ મહિનામાં પણ અધિકારીઓએ લંડનની એક જગ્યાએથી એક ઉઝી અને સ્કોરપિયન સબ મશીનગન, ૩૦૦ રાઉન્ડ ગોળીઓ, ૧૮૦૦૦૦ પાઉન્ડ રોકડ અને એક કિલો કોકેન જપ્ત કર્યા હતા. ‘અનસીએના શસ્ત્રો શોધવાના અથાગ પ્રયાસોના કારણે આપણા જીવ સલામત છે. હું તેમને આ બહાદૂર ભરી કામગારી કરવા બદલ અભિનંદન આપું છું’એમ બ્રિટનના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે કહ્યું હતું.