અમેરિકામાં 40 પ્રેસિડેન્ટના કપડા બનાવનાર અને 200 વર્ષ જૂની મેન્સવેર કંપની- બ્રૂક્સ બ્રધર્સે નાદારી નોંધાવી છે. બ્રૂક્સ બ્રધર્સે બુધવારે લેણદારોથી બચવા માટે કોર્ટમાંથી સુરક્ષાની માગણી કરી છે. કંપની એક ખરીદનારની શોધમાં છે. કંપનીએ અગાઉ જ પોતાના કેટલાક શોરૂમ બંધ કરી દીધા હતા અને હવે અમેરિકાની ફેકટરી પણ બંધ કરવાની તૈયારીમાં છે. કંપનીની આ સ્થિતિ માટે કોવિડ-19ની મહામારી પણ જવાબદાર માનવામાં આવે છે. 1818માં આ કંપની શરૂ થઇ હતી.
1850માં તેનું નામ બદલીને બ્રૂક્સ બ્રધર્સ કરાયું હતું. કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા કપડા જ્હોન એફ. કેનેડી અને બરાક ઓબામા જેવા પ્રેસિડેન્ટ પહેરી ચૂક્યા છે. આ કંપનીના વિશ્વભરમાં 500 સ્ટોર્સ છે, જેમાં લગભગ અડધા તો અમેરિકામાં જ છે. આ કંપનીએ ચાર હજારથી વધુ લોકોને રોજગારી આપી છે. 2001 પછી કંપનીની માલિકી ઇટાલિયન બિઝનેસમેન ક્લાઉડિયો ડેલ વેચિયો પાસે છે, જેના પરિવારે લક્સોટિકાની સ્થાપના કરી હતી. ક્લાઉડિયોએ 225 મિલિયન ડોલરમાં કંપની ખરીદી હતી.
ઓનલાઇન સ્પર્ધા વધવાને કારણે કંપનીને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. એવામાં કોરોના વાઇરસે પણ મુશ્કેલીમાં વધારો કરતા કંપનીની આર્થિક સ્થિતિ ગંભીર બની હતી. વર્ક ફ્રોમ દરમિયાન વિશ્વભરના અનેક કર્મચારીઓએ ટી-શર્ટ અને સ્વેટ પેન્ટને પ્રાથમિકતા આપી હોવાથી કંપનીના કપડાની માંગ ઓછી થઇ હતી. કંપની આ મહામારી આવી તે અગાઉથી ખરીદનાર શોધી રહી હતી.
બ્રૂક્સ બ્રધર્સે ડેલાવેર કોર્ટમાં ચેપ્ટર 11 માટે અરજી કરી છે. તેમાં ચેતવણી આપવામાં આવી હતી કે, ત્રણ રાજ્યોમાં અંદાજે 700 વર્કર્સ જોબ ગુમાવશે . ગ્લોબલડેટા રીટેઈલે એક નોંધમાં જણાવ્યું હતું કે, એપ્રિલથી જૂનની વચ્ચે પુરુષોના ફોર્મલ કપડાનાં વેચાણમાં 74 ટકાનો ઘટાડો નોંધાયો છે. કોરોના મહામારીને કારણે બ્રૂક્સ બ્રધર્સને મોટું નુકસાન થયું છે.