રશિયામાં ગયા સપ્તાહે યોજાઈ ગયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના ત્રણ મુક્કાબાજો – દીપક (51 કિ.ગ્રા.), હુસામુદ્દીન (57 કિ.ગ્રા.) અને નિશાંતે (71 કિ.ગ્રા.) બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. ભારતનો વર્લ્ડ બોક્સિંગમાં અત્યાર સુધીનો આ શ્રેષ્ઠ દેખાવ રહ્યો છે. શુક્રવારે ભારતના ત્રણેય બોક્સરની સેમિફાઈનલ મેચ હતી જેમાં મોહમ્મદ હુસામુદ્દીનને ઘૂંટણમાં ઈજાને પગલે મેચની એક કલાક પૂર્વે ખસી જવાની ફરજ પડી હતી અને પરિણામે ક્યુબાના પ્રતિસ્પર્ધી સેડલ હોર્તાને બાય મળતા તે ફાઈનલમાં પહોંચ્યો હતો.
દીપક ભોરિયાનો મુકાબલો બે વખતના વર્લ્ડ ચેમ્પિયન અને બ્રોન્ઝ મેડલ વિજેતા રહી ચૂકેલા ફ્રાન્સના બિલાલ બેન્નામા સામે થયો હતો. રોમાંચક મુકાબલામાં દીપકનો 3-4થી પરાજય થયો હતો. દીપકની મેચમાં નિર્ણાયકોએ રીવ્યૂ લેવાની ફરજ પડી હતી પરંતુ અંતે ફ્રાન્સના બોક્સરને વિજેતા જાહેર કરાયો હતો.
બીજીતરફ નિશાંત દેવ પાસેથી ભારતને આશા હતી અને તેની ટક્કર કઝાખસ્તાનના અસલાનબેક શીમ્બર્ગેનોવ સામે હતી. આ મુકાબલામાં પણ રીવ્યૂ લેવાની ફરજ પડી હતી અને આખરે નિર્ણાયકોએ 2022ના એશિયન ચેમ્પિયન તથા 2018ના એશિયન ગેમ્સ સિલ્વર મેડલ વિજેતા કઝાખસ્તાનના બોક્સરની તરફેણમાં નિર્ણય આપ્યો હતો.