2020માં બ્રોમ્સગ્રોવની પીઝા શોપના માલિક નેઝામ સલાંગીને અસંતુષ્ટ લગ્નજીવન બાદ તેની 28 વર્ષીય પત્ની ઝોબૈદાહની હત્યા કરી બે ભાઈઓની મદદ લઇ મૃતદેહને જંગલમાં દાટી દેતા તેમને ત્રણેયને દોષી ઠેરવવામાં આવ્યા છે.
નેઝામે પત્ની ઝોબૈદાહ ગુમ થયાની જાણ કરી હતી પરંતુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે તેની હત્યા કરી હતી. ઓસ્ટિન રોડ, બ્રોમ્સગ્રોવના 44 વર્ષીય સલાંગી અને એડમસ્ક્રોફ્ટ પ્લેસ, કેરફિલી ખાતે રહેતા તેના ભાઇઓ મોહમ્મદ યાસીન સલાંગી અને રામિન સલાંગીને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને તેમને જૂનમાં સજા પણ કરવામાં આવશે.
વેસ્ટ મર્સિયા પોલીસે જણાવ્યું હતું કે તેઓ મૂળ અફઘાનિસ્તાનના વતની છે અને તેના બે ભાઈઓનો સંપર્ક કરતા તેઓ કાર્ડિફથી મૃતદેહનો નિકાલ કરવા આવ્યા હતા. તેમણે લોઅર બેન્ટલીના કોપીહોલ્ટ લેન પાસેના જંગલમાં ડુવેટ કવર અને બિન બેગમાં લપેટીને તેને દફનાવી હતી. છ મહિના પછી પોલીસે લાશ શોધી કાઢી હતી, જોકે તે એટલી સડી ગઈ હતી કે મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. તેમના બે બાળકો હવે માતાપિતા વિના મોટા થઈ રહ્યા છે.