બ્રિટનમાં નવા લક્ષણો ધરાવતા કોરોના વાઇરસના ઝડપથી ફેલાવાને પગલે યુરોપ સહિતના વિશ્વના મોટા ભાગના દેશોથી બ્રિટન સોમવારે લગભગ વિખુટું પડી ગયું હતું. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને આ વાઇરસ દેશ માટે જોખમી હોવાની ચેતવણી આપ્યા બાદ ભારત, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝર્લેન્ડ, બેલ્જિયમ, ઇઝરાયેલ, કેનેડા, સાઉદી અરેબિયા, હોંગકોંગ સહિતના સંખ્યાબંધ દેશોએ બ્રિટન માટેની ફલાઈટ્સ બંધ કરવાની જાહેરાત કરી હતી. સોમવારે ભારતે પણ બ્રિટનથી ઉપડતી કે જતી તમામ ફ્લાઇટ્સ 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી હતી. ભારતના સિવિલે એવિએશન મંત્રાલયે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે આ પ્રતિબંધ બુધવારથી અમલી થશે અને તે પહેલા બ્રિટનથી આવતા તમામ પેસેન્જર્સનું એરપોર્ટ પર આગમન સમયે RT-PCR ટેસ્ટિંગ થશે.
બ્રિટનના નવા લક્ષણો ધરાવતા કોરોના વાઇરસની ચર્ચા કરવા ભારતમાં કોવિડ-19 અંગેની મોનિટરિંગ ગ્રુપની સોમવારે સવારે બેઠક મળી હતી. ભારતના આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને જણાવ્યું હતું કે સરકાર નવા લક્ષણો ધરાવતા વાઇરસથી સંપૂર્ણપણે એલર્ટ છે અને ગભરાટનું કોઇ કારણ નથી. આ અગાઉ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ બ્રિટન માટેની તમામ ફ્લાઇટ પર તાકીદે પ્રતિબંધ મૂકવાની સોમવારે માગણી કરી હતી. યુકેથી લોકો અને ટ્રકના પ્રવેશ પર ફ્રાન્સે પ્રતિબંધ મૂક્યો હતો. તેથી યુરોપ સાથે બ્રિટનનો મહત્ત્વનો વેપાર માર્ગ બંધ થઈ ગયો હતો. બ્રિટનના પરિવહન પ્રધાન ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ શક્ય તેટલી ઝડપથી દૂર કરવા માટે તે ફ્રાન્સના સંપર્કમાં છે.
ઓસ્ટ્રેલિયાએ સોમવારે જણાવ્યું હતું કે દેશમાં નવા પ્રકારના વાઇરસના કેસો નોંધાયા છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા બ્રિટનના બે પ્રવાસીઓમાં આ નવા લક્ષણો સાથેનો વાઇરસ જણાયો છે અને બંનેને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
જાપાન અને સાઉથ કોરિયા સહિતના એશિયાના દેશોએ જણાવ્યું હતું કે તેઓ નવા સ્ટ્રેઇન પર ચાંપતી નજર રાખી રહ્યા છે. એશિયામાં બ્રિટન સાથેની ફ્લાઇટ પર પ્રતિબંધ સૌથી પ્રથમ હોંગકોંગે પ્રતિબંધ મૂક્યો હતો. 22 ડિસેમ્બર પહેલા બ્રિટનથી આવતી લોકોને બેની જગ્યાએ ત્રણ સપ્તાહ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. દેશમાં પ્રવેશ કરતાં દરેક વ્યક્તિ માટે 14 દિવસના ક્વોરેન્ટાઇનનો નિયમ બનાવનાર સાઉથ કોરિયાએ જણાવ્યું હતું કે તે બ્રિટન માટેની ફ્લાઇટ અંગેના નવા પગલાંની સમીક્ષા કરી રહ્યું છે.