બ્રિટનમાં કોરોનાવાઇરસની ટેસ્ટિંગ સિસ્ટમના અવરોધ સામે લોકોના વધતાં જતાં ગુસ્સા વચ્ચે સરકારે બુધવારે વચન આપ્યું હતું કે તે લેબોરેટરી ક્ષમતામાં વધારો કરવાના તમામ પગલાં લેશે. હાલની ટેસ્ટિંગ કેપેસિટી પૂરતી ન હોવાથી લોકોને કોવિડ-19નો ટેસ્ટ કરાવવામાં મુશ્કેલી પડી રહી છે.
કોરોના વાઇરસનો મૃત્યુઆંક ઘટાડવાના પ્રયાસના ભાગરૂપે વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ટેસ્ટિંગ માટે વિશ્વમાં શ્રેષ્ઠ સિસ્ટમ ઊભી કરવાનું મે મહિનામાં વચન આપ્યું હતું. આમ છતાં કોરોનો ટેસ્ટ કરાવવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકો સ્થાનિક સમય મુજબ સવારના પાંચ વાગ્યાથી ટેસ્ટિંગ માટે લાંબી કતાર લગાવે છે.
ન્યાય પ્રધાન રોબર્ટ બકલેન્ડે ‘સ્કાય ન્યૂઝ’ને જણાવ્યું હતું કે લેબોરેટરીની ક્ષમતા એક મુદ્દો છે અને તેનો ઉકેલ લાવવા અમે કામ કરી રહ્યા છીએ. તેમણે બીબીસી ટીવીને જણાવ્યું હતું કે કેપેસિટીમાં વધારો કરવા માટે અમે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે કયાં મુશ્કેલી છે. અમે વોક-ઇન ટેસ્ટ સેન્ટર્સ માટે પ્રાયોગિક ધોરણે કામગીરી કરી રહ્યા છીએ.
આરોગ્ય પ્રધાન મેટ હેન્કોકે મંગળવારે જણાવ્યું હતું કે સિસ્ટમમાં સુધારો લાવતા કેટલાંક સપ્તાહ લાગશે. બકલેન્ડે જણાવ્યું હતું કે હેલ્થ વર્કર્સ, કેર હોમ વર્કર્સ, સ્કૂલના બાળકો અને તેમના માતાપિતાને ટેસ્ટિંગ માટે પ્રાથમિકતા આપવી પડશે. સંસદના આરોગ્ય સમિતિના ચેરમેન જેરેમી હંટે જણાવ્યું હતું કે ટેસ્ટિંગ કેપેસિટીમાં નોંધપાત્ર વધારો કરવાની જરૂર છે, જેથી દરેકનું ટેસ્ટિંગ થઈ શકે. અમે દરરોજના બે મિલિયન ટેસ્ટની યોજના બનાવી રહ્યા છીએ.