જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સે મોદી સરકારના આ નિર્ણયની ટિકા કરવામાં આવી હતી. બ્રિટિશ સાંસદ સભ્ય અને કાશ્મીર માટે ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગ્રુપના પ્રેસિડેન્ટ ડેબી ગયા સોમવારના રોજ દુબઈથી ભારત પહોંચી હતી પરંતુ તેમને દિલ્હી એરપોર્ટ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. તેમને એરપોર્ટ પર કહેવામાં આવ્યું હતું કે તેમના વીઝા ગેરકાયદેસર છે. જેના કારણે તેમના વીઝાને રદ્દ કરી દેવામાં આવે છે. બાદમાં તેમને દુબઈ પરત મોકલી દેવાયા હતા.
આ ઘટના બાદ ભારત સરકાર પર પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. વિદેશ મંત્રાલયે ગુરૂવારના રોજ જણાવ્યું કે બ્રિટિશ સાંસદને પૂર્ણ સમ્માન સાથે પરત મોકલવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, ‘ડેબી અબ્રાહમ્સ પાસે કાયદેસરના વીઝા નહતા. જેથી તેમને પૂર્ણ સમ્માન સહિત પરત મોકલવામાં આવ્યા હતા. બ્રિટિશ સાંસદ તરફથી સતત ભારતની વિરુદ્ધ અભિયાન ચલાવાઈ રહ્યું છે. અમને લાગે છે કે તેમના નિવેદન અને તેમની વિચારધારા ભારત વિરોધી છે.’
વીઝા રદ્દ કરવા માટે ડેબી અબ્રાહમ્સે કહ્યું કે, ‘દિલ્હી એરપોર્ટ પર અન્ય લોકોની જેમ મેં પણ ઈમિગ્રેશન ડેસ્ક પર પોતાના દસ્તાવેજ બતાવ્યા હતા. તે લોકોએ મારો પાસપોર્ટ લઈ લીધો હતો અને ત્યારબાદ લગભગ 10 મિનિટ સુધી તે લોકો ડેસ્ક પરથી ગાયબ થઈ ગયા હતા. જ્યારે તેઓ પાસપોર્ટ લઈને પરત આવ્યા ત્યારે તેઓ મારા પર ગુસ્સે ભરાયા હતા. તેઓ મારા પર ગુસ્સામાં આવીને એમની સાથે જવા માટે કહ્યું. મેં ત્યારે જ તેમને કહ્યું કે તમે મારી સાથે આવી રીતે વાત ન કરી શકો.’