બ્રિટીશ ઈન્ડિયન જ્યુઇશ એસોસિએશનના પ્રતિનિધિમંડળે ઈન્ડિયા હાઉસની મુલાકાત લીધી હતી જ્યાં યુકે સ્થિત ભારતીય હાઈ કમિશનર ગાયત્રી ઈસ્સાર કુમાર દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. આ મુલાકાત હાઈ કમિશનની સમુદાય સાથેના જોડાણની વ્યૂહરચનાનો એક ભાગ હતી.
તેમની ચર્ચામાં શિક્ષણ, હેટ ક્રાઇમ અને બે સમુદાયો સાથે મળીને કામ કરવાની સંભાવનાને આવરી લેવામાં આવી હતી. હાઇ કમિશનરને ભારતમાં કોવિડ રાહત માટે £120,000થી વધુ રકમ એકત્ર કરવા અને હાઇ-પ્રોફાઇલ ગેસ્ટ સ્પીકર્સ સાથે બેગલ અને સમોસા વેબિનારોની શ્રેણી સહિત BIJA ની નવીનતમ પહેલ અંગે માહિતી આપવામાં આવી હતી. BIJA બ્રિટીશ ભારતીય અને બ્રિટીશ જ્યુઇશ સમુદાયો વચ્ચે મિત્રતા વધારવા માટે અસ્તિત્વ ધરાવે છે.
BIJA ના સહ-અધ્યક્ષ ઝાકી કૂપરે કહ્યું હતું કે“હાઈ કમિશનર દ્વારા દાખવેલા આતિથ્ય માટે અમે ખૂબ આભારી છીએ. તેમણે ભારતના રાષ્ટ્રપતિ માટે કામ કરતા હતા તે વખતની ઇઝરાયેલની મુલાકાતની કેટલીક અદ્ભુત યાદો તાજી કરી હતી. અમે જે કામ કરી રહ્યા છીએ તે વિશે જણાવવાની અને સહયોગ માટે ભવિષ્યના વિચારોની ચર્ચા કરવાની તક હતી.’’
BIJA ના સહ-અધ્યક્ષ ડૉ. પીટર ચઢ્ઢાએ કહ્યું હતું કે“અમે જાણીએ છીએ કે યુકેમાં ભારતીયો અને જ્યુઇશ વચ્ચેના સંબંધો મજબૂત છે, અને આ તે દર્શાવવાની તક હતી.’’
હાઈ કમિશનરે ઓરડામાં રહેલી એનર્જી વિષે ટિપ્પણી કરી જણાવ્યું હતું કે ‘’અમે અમારા બે સમુદાયો વચ્ચે ઉંડા અને વ્યાપક સંબંધો બનાવવા માટે ભારતીય હાઈ કમિશન સાથેના સંબંધો વધારવા માટે આતુર છીએ.’’