સલમાન રશ્દીના 1981ના બુકર પ્રાઈઝ વિજેતા ‘મિડનાઈટ્સ ચિલ્ડ્રન’ ના સ્ક્રીન એડેપ્ટેશન સહિતના સંગીતવાદ્યો માટે જાણીતા પુરસ્કાર વિજેતા બ્રિટિશ ભારતીય સંગીતકાર નીતિન સાહનીનો સમાવેશ 2024ના બુકર પ્રાઈઝની જજિંગ પેનલના સભ્ય તરીકે કરવામાં આવ્યો છે. તેઓ કલાકાર અને લેખક એડમન્ડ ડી વાલની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની પેનલમાં જોડાશે. આ પેનલમાં નવલકથાકાર સારા કોલિન્સ, ‘ધ ગાર્ડિયન’ અખબારના ફિક્શન એડિટર જસ્ટિન જોર્ડન અને ચીની અમેરિકન લેખક અને પ્રોફેસર યીયુન લીનો સમાવેશ થાય છે.
સાહનીએ કહ્યું હતું કે ‘’પેનલમાં સામેલ થવા બદલ સન્માનિત છું. આગામી વર્ષના £50,000ના મૂલ્યના વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કારોમાંના એક વિજેતા માટે તેની શોધ શરૂ કરશે.
સાઉથ ઇસ્ટ ઈંગ્લેન્ડના કેન્ટમાં જન્મેલા, સાહનીને વિશ્વ-સ્તરના નિર્માતા, ગીતકાર, ક્લબ ડીજે, થિયેટર, નૃત્ય, વિડિયોગેમ્સ અને ઓર્કેસ્ટ્રા માટે મલ્ટિ-ઈન્સ્ટ્રુમેન્ટલિસ્ટ અને સંગીતકાર તરીકે ઓળખવામાં આવે છે. તેમણે બુકર-શોર્ટલિસ્ટેડ નવલકથાકાર ઝુમ્પા લાહિરીની ‘ધ નેમસેક’ અને તાજેતરમાં શેખર કપૂર દિગ્દર્શિત ફિલ્મ ‘વોટ્સ લવ ગોટ ટુ ડુ વિથ ઈટ’ માટે સ્ક્રીન એડોપ્ટેશન માટે પણ કંપોઝ કર્યું છે. સંગીતની સેવાઓ માટે તેમને CBE બનાવાયા હતા. તેમણે યુકેની યુનિવર્સિટીઓમાંથી આઠ માનદ ડોક્ટરેટ મેળવ્યા છે.
યુકે અને આયર્લેન્ડના પબ્લિશર્સ તેમની એન્ટ્રીઓ સબમિટ કરવાનું શરૂ કરી શકે છે. “બુકર ડઝન”ની જાહેરાત જુલાઈ 2024માં કરાશે અને બુકર પ્રાઇઝ વિજેતા 2024ની જાહેરાત નવેમ્બરમાં કરાશે. શોર્ટલિસ્ટ કરાયેલા છ લેખકોને £2,500 મળશે. 2023માં, બ્રિટિશ ભારતીય લેખિકા ચેતના મારૂને તેણીની પ્રથમ નવલકથા ‘વેસ્ટર્ન લેન’ માટે શોર્ટલિસ્ટ કરાયા હતા.