યુકે સ્થિત ભારતીય મૂળની લોકપ્રિય અભિનેત્રી-લેખિકા મીરા સ્યાલને બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ (બાફ્ટા) ફેલોશિપ એનાયત કરવામાં આવી છે. ફિલ્મ અથવા ટેલિવિઝનમાં અસાધારણ યોગદાન ધરાવનાર ઉત્કૃષ્ટ વ્યક્તિની ઓળખમાં આપવામાં આવેલ આ સર્વોચ્ચ સન્માન છે.
પંજાબી માતા-પિતામાં ત્યાં જન્મેલા અને ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ વિસ્તારમાં ઉછરેલા 61 વર્ષીય મીરાને નાટક અને સાહિત્યમાં તેમના યોગદાન બદલ સ્વ. રાણી એલિઝાબેથ II દ્વારા MBE અને પછી CBE એનાયત કરાયા હતા. ‘ગુડનેસ ગ્રેસિયસ મી’ અને ‘ધ કુમાર્સ એટ નંબર 42’ જેવા ટેલિવિઝન શો માટે જાણીતા મીરા સ્યાલને 14 મેના રોજ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં બાફ્ટા ટેલિવિઝન એવોર્ડ સમારોહ દરમિયાન ફેલોશિપ આપવામાં આવશે.
તેણીને સર્જનાત્મક નવીનતા માટે વુમન ઇન ફિલ્મ અને ટીવી એવોર્ડ, SOAS, માન્ચેસ્ટર અને બર્મિંગહામ યુનિવર્સિટીઓ તરફથી માનદ ડોક્ટરેટ પણ પ્રાપ્ત થયા છે. તેણીની કેટલીક જાણીતી નવલકથાઓ પૈકીની એક ‘અનિતા’ છે. આ ઉપરાંત, તેણીએ સ્ક્રીન પર અને રેડિયો નાટકોમાં પણ ઘણી અભિનય ભૂમિકાઓ ભજવી છે.