British Gujarati convicted of 97 million pounds tax evasion

નકલી ડિઝાઇનર કપડાનાં કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને ગુજરાતી મૂળના આરીફ પટેલને યુકેમાં ટેક્સ ચોરીના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. પટેલ પર એક ગુનાઇત જૂથની સાથે મળીને કપડા અને મોબાઇલ ફોનની નકલી નિકાસ કરીને વેટ રીપેમેન્ટનો દાવો કરી 97 મિલિયન પાઉન્ડની ટેક્સ ચોરી કરવાનો આરોપ હતો.

ટેક્સ વિભાગે આ ટેક્સચોરીને દેશના ઇતિહાસની સૌથી મોટી ટેક્સ છેતરપિંડી ગણાવી છે. ચેસ્ટર ક્રાઉન કોર્ટે ૧૪ સપ્તાહની સુનાવણી પછી 55 વર્ષીય આરીફ પટેલને ખોટા નાણાકીય પત્રકો રજૂ કરવા, સરકારી આવકમાં છેતરપિંડી કરવા માટે કાવતરું ઘડવા, બ્રાન્ડના નામે નકલી કપડાનું વેચાણ અને મની લોન્ડરિંગના દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ફ્રોડ ઇન્વેસ્ટીગેશન સર્વિસમાં હિસ મેજેસ્ટી રેવન્યુ એન્ડ કસ્ટમ (એચએમઆરસી)ના ડાયરેક્ટર રિચર્ડ લાસે જણાવ્યું હતું કે આરીફ પટેલ કાયદાનું પાલન કરતા લોકોના ખર્ચે વૈભવી જીવન જીવતા હતા. તેમણે જણાવ્યું હતું કે એક દાયકાથી વધુ સમય સુધી એચએમઆરસી અને અમારા સહભાગીઓએ આ જૂથને કોર્ટમાં લાવવા માટે એકસાથે મળીને ખૂબ મહેનત કરી હતી.

આ જૂથે બ્રિટનની સંપત્તિની 78 મિલિયન પાઉન્ડથી વધુની રકમની ઉચાપત કરી હતી અને તેણે આ રકમ પરત મેળવવા કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં પૂર્ણ થયેલી સુનાવણીમાં કેસના સહ આરોપી દુબઇના 58 વર્ષીય મોહમ્મદ ઝફર અલીને પણ કાવતરુ રચવા અને મની લોન્ડરિંગના દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં આરીફ અને ઝફરઅલીને આવતા મહિને સજા જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY