બ્રિટિશ મીડિયા હાઉસ-બીબીસીએ ગુજરાતમાં કોમી 2002ના રમખાણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા મુદ્દે રજૂ કરેલી ડોક્યુમેન્ટ્રીનો ભારત જ નહીં બ્રિટનમાં પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. લંડનમાં ભારતીય મૂળના લોકો બીબીસી સામે વિરોધ પ્રદર્શન રહ્યા છે ત્યારે બ્રિટિશ સરકારે બીબીસીની સ્વતંત્રતાની તરફેણ કરીને બીજી તરફ ભારત સરકાર સાથે તેના સંબંધો મજબૂત હોવાનો દાવો પણ કર્યો હતો.
બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ની ભારતની ટીકા અંગે બીબીસી મુખ્ય ઓફિસ સામે ભારતીયો દેખાવો કરી રહ્યા હતા ત્યારે ડાઉનિંગ સ્ટ્રીટમાંવડાપ્રધાન રિશિ સુનકના પ્રવક્તાએ વિદેશ પ્રધાન જેમ્સ ક્લેવરલીએ સંસદમાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે, બ્રિટિશ સરકાર ભારત સાથે તેના સંબંધોમાં રોકાણ કરવાનું જાળવી રાખશે. બીબીસીની ડોક્યુમેન્ટ્રી અંગે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બીબીસી તેના કામમાં સ્વતંત્ર છે અને અમે એ બાબતને મહત્ત્વ આપીશું કે અમે ભારતને એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ભાગીદાર માનીએ છીએ. અમે આગામી દસકાઓમાં ભારત સાથે અમારા સંબંધોમાં મોટું રોકાણ કરીશું અને અમને વિશ્વાસ છે કે બંને દેશના સંબંધો વધુ મજબૂત થશે.
હાઉસ ઓફ કોમન્સમાં ગત મંગળવારે વિદેશ પ્રધાન ક્લેવરલીએ સ્પષ્ટ કર્યું હતું કે, તેમણે ભારતીય હાઈકમિશનર વિક્રમ દોરાઈસ્વામી સાથે વાત કરી છે અને કહ્યું છે કે, આ ઘટનાની ભારતમાં કેવી અસર થઈ છે તે અમે જાણીએ છીએ. જોકે, બીબીસી તેના આઉટપુટમાં સ્વતંત્ર છે.