2015થી ઇમિગ્રેશન પ્રત્યે લોકોના વલણને ટ્રૅક કરનાર ઇપ્સોસ અને બ્રિટિશ ફ્યુચરના ઇમિગ્રેશન એટીટ્યુડ ટ્રેકર સર્વેક્ષણના તાજેતરના તારણો અનુસાર, વર્તમાન સરકાર જે રીતે ઇમિગ્રેશન સાથે વ્યવહાર કરી રહી છે તેના પ્રત્યે લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. ઇમિગ્રેશન EU લોકમત પહેલાંના ઉચ્ચતમ સ્તરે છે.

લગભગ 69 ટકા લોકો કહે છે કે તેઓ ઇમિગ્રેશન બાબતે સરકારથી અસંતુષ્ટ છે અને માત્ર 9 ટકા લોકો સંતુષ્ટ છે. આ સર્વેક્ષણ 17 થી 28 ફેબ્રુઆરી 2024 દરમિયાન સમગ્ર બ્રિટનમાં 3,000 પુખ્ત વયના લોકો સાથે ઓનલાઈન કરવામાં આવ્યું હતું.

સર્વેમાં વડા પ્રધાન ઋષિ સુનક સૌથી વધુ ‘અવિશ્વાસ’નો સ્કોર ધરાવે છે. 70% લોકોએ કહ્યું હતું કે તેઓ ઇમિગ્રેશન બાબતે સુનક પર વિશ્વાસ કરતા નથી, તો 57% લોકો કહે છે કે તેઓ ઇમિગ્રેશન બાબતે લેબર લીડર કેર સ્ટાર્મર પર અવિશ્વાસ કરે છે. તો 59% લોકો નાઇજેલ ફરાજ પર અવિશ્વાસ કરે છે.

વર્તમાન કન્ઝર્વેટિવ સમર્થકોમાંથી માત્ર 16 ટકા અને 2019માં કન્ઝર્વેટિવને મત આપનારાઓ લોકોમાંથી માત્ર 8 ટકા લોકો સરકારના ઈમિગ્રેશન અંગેના નીતિઓથી સંતુષ્ટ છે. વર્તમાન કન્ઝર્વેટિવ સમર્થકોના 55 ટકા અને 2019ના 71 ટકા કન્ઝર્વેટિવ મતદારો અસંતુષ્ટ છે. લગભગ 10 ટકા લેબર સમર્થકોએ સંતુષ્ટ હોવાનું જ્યારે 72 ટકાએ અસંતુષ્ટ છે તેમ કહ્યું હતું.

અસંતોષનું નંબર એક કારણ ‘ચેનલ ક્રોસિંગને રોકવા માટે પૂરતું કામ ન કરવું’ હતું.

આ મતદાનમાં NHS અને જીવન ખર્ચને પણ લક્ષમાં લેવાયા હતા. નવા ટ્રેકર સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 52 ટકા લોકો હવે ઇમિગ્રેશન ઘટાડવાનું સમર્થન કરે છે પણ દસમાંથી ચાર લોકો ઘટાડો ઇચ્છતા નથી. 23% લોકો સંખ્યા સમાન કરવાનું અને 17 ટકા તેમાં વધારો કરવા માંગે છે.

વર્તમાન દસમાંથી સાત કન્ઝર્વેટિવ સમર્થકો (72%) ઇમીગ્રેશન નંબર ઘટાડવા માંગે છે. 17% ઇચ્છે છે કે તે સમાન રહે અને 9% તે વધે તેમ ચાહે છે. પરંતુ 32 ટકા લેબર સમર્થકો ઇમિગ્રેશન નંબરો સમાન રહે તેમ અને 20% વધારવાનું પસંદ કરતા નથી.

2023માં મંજૂર કરાયેલા 337,240 વર્ક વિઝામાંથી લગભગ અડધા ‘સ્કીલ્ડ વર્કર – હેલ્થ એન્ડ કેર’ વિઝા પર હતા. 51% જનતા ઈચ્છે છે કે વિદેશથી યુકેમાં આવતા ડોકટરો અને નર્સોની સંખ્યા વધે પણ 24% એ જ સંખ્યા રાખવા અને 15% ઘટાડો ઇચ્છે છે. આજ રીતે 42% ઇચ્છે છે કે વિદેશથી યુકેમાં વધુ લોકો કેર હોમમાં કામ કરવા આવે.

યુકેમાં આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરવા 35% લોકોએ મત આપ્યો હતો. 53% વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માંગતી નથી.

બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર સુંદર કાટવાલાએ કહ્યું હતું કે “સરકારના ઇમિગ્રેશનના વહીવટથી  વ્યાપક જાહેર અસંતોષ છે, પરંતુ વિવિધ કારણોસર ઘણા કન્ઝર્વેટિવ્સ સખત કાર્યવાહી કરવા માગે છે, જ્યારે લેબર સમર્થકો નિયંત્રણની સાથે વધુ કરુણા ઇચ્છે છે. સ્થળાંતરનો આંકડો ઊંચો હોવાથી, ઇમિગ્રેશન ઘટાડવા માટે વધુ સમર્થન છે.’’

LEAVE A REPLY