બાર્ની ચૌધરી દ્વારા
બ્રિટનમાં હવે શિયાળાનો (વિન્ટર) આરંભ થઈ રહ્યો છે અને સરકાર દ્વારા વેક્સિન તેમજ જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત બનાવવા માટેના પગલાંનો કડકાઈથી અમલ નહીં કરાવાય તો બ્રિટનમાં વસતા સાઉથ એશિયન સમુદાયના લોકો વધુ પ્રમાણમાં કોરોનાના ચેપનો ભોગ બને અને વધુ પ્રમાણમાં મૃત્યુ પામે તેવી પુરેપુરી શક્યતા છે. એક અભ્યાસ અનુસાર હાલમાં સરેરાશ દરરોજ સાઉથ એશિયન સમુદાયના 11 બ્રિટિશ નાગરિકો કોરોનાનો ભોગ બની મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.
ગરવી ગુજરાતને એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં ડૉ. ચાંદ નાગપૌલ તથા સાદિક ખાને જણાવ્યું હતું કે, તેઓ લઘુમતી સમુદાયના, વધુ સહેલાઈથી શિકાર બની શકે તેવા નબળા લોકો વિષે ખાસ ચિંતિત છે. ગયા વર્ષે તો દેશમાં જુદા જુદા સ્થળોએ વિવિધ સ્તરના લોકડાઉન અમલમાં હતા, કેટલાય નિયંત્રણો હતા અને લોકોનું એકબીજા સાથે હળવા-મળવા કે ભળવાનું પ્રમાણ લગભગ સાવ નજીવું હતું. આ વર્ષે હાલમાં એવી સ્થિતિ નથી, લોકો વધુને વધુ પ્રમાણમાં હળી મળી રહ્યા છે, તેના કારણે કોરોના વાઈરસનો ચેપ ફેલાવા સિવાય પણ વધુ લોકોને ફલુની, શ્વાસોશ્વાસની તકલીફો થવાની શક્યતા છે અને તેના પગલે એનએચએસ ઉપર ભારણ વધશે.
લોકોમાં પણ એકંદરે એવી માનસિકતા દેખાય છે કે, હવે કોરોનાના ચેપનો ફેલાવો ભૂતકાળની વાત બની ગયો છે.
આ સંજોગોમાં, કોરોના વાઈરસના ચેપ ઉપરાંત અન્ય વાઈરસજન્ય રોગોના ફેલાવા ઉપર પણ નિયંત્રણ માટે કેટલાક કડક પગલાં લેવાય તે જરૂરી છે.
બન્નેના મતે જાહેર સ્થળોએ, ટેક્સીમાં કે ટ્રેન અને બસમાં વગેરે સ્થળોએ લોકો માટે માસ્ક ફરજિયાત બનાવાય અને તેનો અમલ બરાબર કડકાઈથી થાય તે જરૂરૂ છે. ગરવી ગુજરાત માટે ખાસ હાથ ધરાયેલા એક એનાલીસિસ મુજબ સરકારની સઘન કેમ્પેઈન છતાં હજી દક્ષિણ એશિયન બ્રિટિશ લોકોના સમુદાયમાં દરેક ચારમાંથી એકે (27 ટકા) વેક્સિનના બન્ને ડોઝ લીધા નથી.
એનએચએસ ઈંગ્લેન્ડના આંકડા દર્શાવે છે કે, 28 ઓક્ટોબર, 2021ની સ્થિતિ અનુસાર યુકેમાં વસતા ભારતીય સમુદાયના લોકોમાં રસીનો એક ડોઝ લીધો હોય તેવા 91 ટકા લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. બંગલાદેશીઓમાં તે ટકાવારી 87 ટકા છે અને પાકિસ્તાનીઓમાં તે 84 ટકા છે.
આ સંજોગોમાં, લંડનના મેયર સાદિક ખાનના કહેવા મુજબ સરકારે પોતાના પ્લાન બી ઉપર તાત્કાલિક અમલ કરવાની જરૂર છે. તેનું એક મહત્ત્વનું પગલું પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરતા લોકો માટે માસ્ક પહેરવો ફરજિયાત કરવાનું છે. એ માટે સરકારે નિયમ બનાવવો જરૂરી છે, તે નહીં હોવાથી માસ્કના પાલન માટે પોલીસ કે ટ્રાન્સપોર્ટ પોલીસની સેવાઓ લઈ શકાય તેમ નથી. સરકારે 19 જુલાઈએ માસ્કમાંથી મુક્તિનો નિર્ણય લીધો હતો, તે બદલવો પડે.
સ્કૂલ્સમાં પણ વેન્ટિલેશનની વધુ સારી સુવિધા ઉભી કરવાની જરૂર છે, જેનાથી બાળકોમાં ચેપ ફેલાતો અને તેમના થકી વધુ વ્યાપક સમુદાયમાં ચેપ ફેલાતો અટકાવી શકાય.
સરકારના પ્લાન બીમાં વર્ક ફ્રોમ હોમ (ઘેર રહીને કામ કરવું), જાહેર સ્થળોએ તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક ફરજિયાત તેમજ વેક્સિન પાસપોર્ટનો સમાવેશ થાય છે અને એક વરિષ્ઠ સાઉથ એશિયન ટોરી સાંસદે પણ અત્યારે જ પ્લાન બી ઉપર અમલનો નિર્ણય લેવો હિતાવહ હોવાનું જણાવ્યું હતું. આમાંથી વર્ક ફ્રોમ હોમ અને માસ્ક તો લોકો માટે કોઈ ખાસ તકલીફ દાયક પણ નહીં હોવાનું ગણાય છે. એક અહેવાલ મુજબ ફ્રાન્સ અને જર્મની જેવા યુરોપના દેશોની તુલનાએ યુકેમાં માસ્કના નિયમનું પાલન ઘણું ઓછું થાય છે.
વધુમાં, વિતેલા વર્ષમાં કોરોનાના કારણે હાલમાં પણ એનએચએસમાં અન્ય બિમારીઓના ઈલાજ માટે દર્દીઓનું વેઈટિંગ લિસ્ટ ઘણું મોટું છે, ત્યારે નવેસરથી કોરોનાનો ચેપ ફેલાય કે લોકડાઉન આવે તો એ દર્દીઓની હાલત તેમજ એનએચએસની હાલત પણ નાજુક થઈ જવાનું મોટું જોખમ છે. બીએમએના ચેર ડૉ. નાગપૌલના કહેવા મુજબ આગામી થોડા મહિનાઓ તેમને એનએચએસની સ્થિતિ વિષે ખાસ ચિંતા છે, કારણ કે તે આરોગ્ય સેવાઓ ઉપર ત્રણ તરફથી એકસાથે દબાણની શક્યતા છે. દર્દીઓના બેકલોગની સંખ્યા જ હાલમાં 5.6 મિલિયનની છે. એમાંથી લગભગ 290,000 લોકો તો એક વર્ષથી પણ વધુ સમયથી રાહ જોઈ રહ્યા છે.
સરકાર પાસે એનએચએસ ઉપરના પ્રેશર માટે વિન્ટર પ્લાન છે, જે નવેમ્બરના અંતથી ફેબ્રુઆરના અંત સુધી અમલમાં આવશે. ગયા વર્ષે વિન્ટરના મહિનાઓમાં કોરોનાથી સાઉથ એશિયન સમુદાયના 3076 લોકોના મોત થયા હતા. એ વખતે તો ફક્ત ક્રિસમસના પાંચ દિવસ માટે જ કોરોનાના નિયંત્રણો હળવા કરાયા હતા.
ડૉ. નાગપૌલે કહ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની અસર સાઉથ એશિયન સમુદાયના લોકોને અપ્રમાણસર રીતે વધુ થાય છે. તેઓ કોરોના પોઝિટિવ આવવાનું, તેનાથી ગંભીર રીતે બિમાર થવાનું તેમજ મૃત્યુ પામવાનું વધારે જોખમ ધરાવે છે. અત્યારે પણ ચેપના ફેલાવાનું પ્રમાણ વ્યાપક છે ત્યારે આ સમુદાય ઉપરનું જોખમ વધારે રહેવાની મને ચિંતા છે.
