બ્રિટિશની બહુરાષ્ટ્રીય કંપની બ્રિટિશ અમેરિકન ટોબેકો (BAT)એ બુધવાર, 13 માર્ચે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા ભારતની અગ્રણી ટોબેકો કંપની ITC 3.5 ટકા હિસ્સો રૂ.17,485 કરોડમાં વેચ્યો હતો. આ બ્લોક ટ્રેડ પછી પણ BAT ભારતની કંપનીમાં આશરે 25.5 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે. આઇટીસી FMCG, હોટલ, ટાબેકો સહિતના ક્ષેત્રમાં કાર્યરત છે.
સિંગાપોર સરકાર, સિંગાપોરની મોનેટરી ઓથોરિટી, લોકહીડ માર્ટિન કોર્પોરેશન, ગોલ્ડમેન સૅશ (સિંગાપોર), કોપથલ મોરિશિયસ ઇન્વેસ્ટમેન્ટ, BofA સિક્યોરિટીઝ યુરોપ SA, સોસાયટી જનરલ, મોર્ગન સ્ટેનલી એશિયા સિંગાપોર સહિતના રોકાણકારોએ આઇટીસીના શેર ખરીદ્યા હતા.
BSE પાસે ઉપલબ્ધ બ્લોક ડીલના ડેટા અનુસાર, શેરનું વેચાણ સરેરાશ રૂ.400.25ના ભાવે થયું હતું. તેનાથી સોદાનું કદ રૂ.17,484.97 કરોડ થયું હતું.
ડિસેમ્બર 2023 સુધીમાં BAT તેની સહયોગી કંપની ટોબેકો મેન્યુફેક્ચરર્સ (ઇન્ડિયા) લિમિટેડ, માયડલટન ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ અને રોથમન્સ ઇન્ટરનેશનલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા ITCમાં 29.03 ટકા હિસ્સો ધરાવતી હતી. કંપનીએ જણાવ્યું હતું કે તે બ્લોક ટ્રેડની ચોખ્ખી આવકનો ઉપયોગ ડિસેમ્બર 2025 સુધી BAT શેર પાછા ખરીદવા માટે કરવા માંગે છે
ITCમાં BATનું પ્રારંભિક રોકાણ 1900ના દાયકાની શરૂઆતનું છે અને બંને કંપનીઓ લાંબા સમયથી પરસ્પર ફાયદાકારક સંબંધ ધરાવે છે.