યુકેમાં મંગળવાર તા. 22ના રોજ રોમ અને મોરોક્કો કરતાં પણ વધુ સારા હવામાન સાથે લોકોએ 18થી 20 ડીગ્રી સેલ્સીયસ જેટલા હુંફાળા તાપમાનનો અનુભવ કર્યો હતો. વસંતનો આ સૂર્યપ્રકાશ આગામી રવિવાર તા. 27મી સુધી માણવા મળશે.
મેટ ઓફિસે સમગ્ર બ્રિટનમાં શુષ્ક, સની હવામાનની આગાહી કરી હતી. લંડનમાં તાપમાન 19 C (66F) અને તેની તુલનામાં મારાકેશમાં 18C (64F), રોમમાં 16C (61F) અને મેડ્રિડમાં 13C (55F) તાપમાન નોંધાશે તેમ જણાવું હતું.
ગત રવિવારે સ્કોટલેન્ડમાં પારો 20.2C (68.4F) પર પહોંચ્યો હતો જે યુકેનો 2022નો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. લંડન અને કેમ્બ્રિજના ભાગો સહિત દેશના દક્ષિણના વિસ્તારોમાં શ્રેષ્ઠ હવામાન રહેશે. આગાહીકારોએ લાંબા સમય સુધી બહાર વિતાવનાર સૌને સનસ્ક્રીન લગાવવા સલાહ આપી છે.
લંડનમાં 19C (66F), કાર્ડિફમાં 16C (61F), બેલફાસ્ટમાં 15C (59F) અને એડિનબરામાં 13C (55F) તાપમાનની આગાહી કરવામાં આવી છે. આગામી શુક્રવારે 17C (63F) અને શનિવારે 18C (64F) પર રહેશે.
મેટ ઓફિસના હવામાનશાસ્ત્રી એડન મેકગિવર્ને જણાવ્યું હતું કે ‘’બ્રિટિશ લોકો આગામી ‘સાત દિવસ’ સોનેરી સૂર્યપ્રકાશનો આનંદ માણશે. આ તાપમાન સરેરાશ કરતા વધારે છે. કેમ્બ્રિજશાયરમાં 29 માર્ચ, 1968ના રોજ 25.6C (78.1F) તાપમાન નોંધાયુ હતું. તા. 21ના રોજ બ્રિટનમાં સૌથી વધુ તાપમાન કોર્નવોલમાં બુડે ખાતે 17.7C (63.9F) નોંધાયું હતું.