ભારતીય ઉપખંડ પરના શાસન માટે જવાબદાર તત્કાલિન બ્રિટિશ સરકારના વિભાગ ‘ઈન્ડિયા ઑફિસ’ના આર્કાઇવ્સમાંથી કોલોનિયલ યુગની ફાઇલ મળી છે જેમાં ભારતથી યુકે લઇ જવાયેલા અને રાજા ચાર્લ્સ III તથા શાહી પરિવાર દ્વારા કબજો કરાયેલ ઘણા કિંમતી રત્નો અને ઝવેરાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
ધ ગાર્ડિયન અખબાર દ્વારા તા. 6 મેના રોજ થઇ રહેલા કિંગ ચાર્લ્સ III ના રાજ્યાભિષેક પ્રસંગે બ્રિટનની શાહી સંપત્તિ અને નાણાકીય બાબતોની તપાસ માટે ‘કોસ્ટ ઓફ ધ ક્રાઉન’ શ્રેણીના ભાગ રૂપે એક અહેવાલ રજૂ કરી ઈન્ડિયા ઑફિસ આર્કાઈવ્સનો 1912ની “નોંધપાત્ર” 46-પાનાની ફાઈલનો સંદર્ભ રજૂ કર્યો છે.
આ ફાઇલમાં પંજાબના મહારાજા રણજિત સિંહના તબેલામાં ઘોડાઓને સજાવવા માટે વપરાતા નીલમણિ ધરાવતા સોનાના પટ્ટાનો ઉલ્લેખ છે. જે હવે કિંગ ચાર્લ્સના શાહી સંગ્રહનો ભાગ છે. તેમાં જણાવાયું છે કે નીલમણિના પટ્ટા સહિતના અમૂલ્ય ઝવેરાતને વિજયની ટ્રોફી તરીકે ભારતમાંથી યુકે લાવી રાણી વિક્ટોરિયાને આપવામાં આવ્યા હતા. જે તમામ હવે બ્રિટિશ તાજની મિલકત તરીકે રાજાની માલિકીની છે.
બ્રિટિશ સોસાયટીના ડાયરીસ્ટ ફેની એડન અને ભારતના તત્કાલીન બ્રિટીશ ગવર્નર જનરલ ભાઇ જ્યોર્જ દ્વારા 1837માં પંજાબના મહારાજા રણજિત સિંહની મુલાકાત લઇ કહેવાતી “મિત્રતાની સંધિ” પર હસ્તાક્ષર કર્યા હતા. આ ફાઇલમાં તેનો અને તેમના સામ્રાજ્યના ઝવેરાતનો ઉલ્લેખ કર્યો છે. ફેની એડન લખે છે કે “તેઓ પોતાના ઘોડાઓ પર તેના ખૂબ જ ઉત્કૃષ્ટ ઝવેરાત મૂકે છે, અને તેમના હાર્નેસ અને ઘરોની ભવ્યતાની કલ્પના કરી તે કરતાં વધુ ભવ્ય છે. જો અમને ક્યારેય આ રાજ્યને લૂંટવાની મંજૂરી મળે તો હું સીધી તેમના તબેલામાં જઈશ.”
પાછળથી 19મી સદીમાં, રણજિત સિંહના પુત્ર અને વારસદાર, દુલીપ સિંહને પંજાબને ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે હસ્તાક્ષર કરવાની ફરજ પડી હતી અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારીઓની આવી જ લૂંટના પરિણામે કુખ્યાત કોહીનૂર હીરો રાણી વિક્ટોરિયાના કબજામાં આવ્યો હોવાનું કહેવાય છે. જો કે બ્રિટને હાલમાં 6 મેના રોજ રાણી કેમિલાના રાજ્યાભિષેક માટે પરંપરાગત કોહૂનૂરનો તાજ માટે પસંદ ન કરીને રાજદ્વારી વિવાદને ટાળ્યો છે.
આ ફાઇલમાં “ચાર ખૂબ મોટા સ્પાઇનલ રુબી ધરાવતા ટૂંકા હારનો પણ ઉલ્લેખ છે, જેમાંથી સૌથી મોટો 325.5 કેરેટનો સ્પાઇનલ છે જેને પાછળથી તૈમૂર રુબી તરીકે ઓળખવામાં આવ્યો હતો. 1996માં એકેડેમિક સુસાન સ્ટ્રોંગના સંશોધનમાં જણાયું હતું કે તે મોંગોલ વિજેતા તૈમુરની માલિકીનો ન હતો અને રાણી વિક્ટોરિયાએ તેને ભારતથી મોકલ્યો તે પહેલાં તે પર્શિયાના ઘણા રાજાઓ અને મુઘલ સમ્રાટો પાસે હતો. આ ફાઇલમાં 224 મોટા મોતીઓ ધરાવતા ભારતીય હારનો પણ ઉલ્લેખ છે જે રણજીત સિંહના તિજોરીમાંથી આવ્યો હોવાનું માનવામાં આવે છે.
કોંગ્રેસના સાંસદ અને ‘ઇન્ગ્લોરિયસ એમ્પાયર: વોટ ધ ધી. બ્રિટિશ ડીડ ટુ ઈન્ડિયા’ના લેખક શશિ થરૂરે ગાર્ડીયનને જણાવ્યું હતું કે “આપણે આખરે એવા યુગમાં પ્રવેશ્યા છીએ જ્યાં કોલોનિયલ લૂંટફાટને અમુક ઉમદા ‘સંસ્કારી મિશન’ના આકસ્મિક બગાડ તરીકે જોવાને બદલે તે ખરેખર શું (લુંટ) હતું તે માટે ઓળખવામાં આવે. ચોરાયેલી મિલકતનું વળતર આપવું તે હંમેશા સારી બાબત છે. આવનારી પેઢીઓ આશ્ચર્ય પામશે કે શા માટે સંસ્કારી રાષ્ટ્રોને યોગ્ય કાર્ય કરવામાં આટલો સમય લાગ્યો.”
બકિંગહામ પેલેસના પ્રવક્તાએ અખબારને જણાવ્યું હતું કે ‘’ગુલામી અને સંસ્થાનવાદ એવી બાબતો છે જેને કિંગ ચાર્લ્સ III “ગંભીરતાથી લે છે”.