રશિયા પરના પશ્ચિમી દેશોના પ્રતિબંધોમાં બ્રિટનને આગેવાની કરી હોવા છતાં યુકે ભારત મારફત રશિયાના ક્રૂડ ઓઇલની આયાત કરતું હોવાનું બહાર આવ્યું છે. ડેઈલી ટેલિગ્રાફના અહેવાલ મુજબ બીપી અને શેલ સહિત યુકેને સપ્લાય કરતા ઊર્જા ખરીદદારોએ ભારતીય ખાનગી ક્રૂડ ઓઈલ રિફાઈનરીઓ પાસેથી તેમની આયાતમાં વધારો કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયાના ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ મૂકેલા છે. જોકે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરી રહ્યું છે અને રિફાઇન્ડ પેટ્રો પેદાશોની નિકાસ કરે છે.
ક્લાઈમેટ એડવોકેસી ગ્રૂપ ગ્લોબલ વિટનેસે વિશ્લેષણ કરેલા કેપ્લર ડેટા અનુસાર, યુકેએ ફેબ્રુઆરી 2022માં યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતીય ખાનગી રિફાઈનરીઓ પાસેથી ડીઝલ અને અન્ય રિફાઇન્ડ પ્રોડક્ટ્સના 29 શિપમેન્ટ અથવા 10 મિલિયન બેરલની આયાત કરી છે. આની સામે 2021માં સાત શિપમેન્ટ અથવા 4 મિલિયન બેરલની આયાત કરી હતી. આ ડેટામાં ઇર્જા ખરીદદારોમાં અરામ્કો, શેલ, બીપી અને પેટ્રોચાઇનના નામ છે
ભારતમાંથી યુકેમાં ડીઝલના નિકાસના સ્વરૂપમાં રશિયાનું ક્રૂડ ઓઇલ યુકેમાં પહોંચે છે. યુકેનો ક્રૂડ ઓઇલ એમ્બાર્ગો 5 ડિસેમ્બરે અમલી બન્યો હતો, પરંતુ રિફાઇનિંગ પ્રોડક્ટ્સની છટકબારીને કારણે હજુ પણ યુકેમાં રશિયાનું ક્રૂડ ઓઇલ આવે છે. યુક્રેન પર આક્રમણના આશરે એક વર્ષ પછી પણ રશિયાનું ક્રૂડ ઓઇલ હજુ પણ યુરોપમાં જઈ રહ્યું છે. તેનું કારણ નીતિ ઘડવામાં રહેલી ભૂલો છે.
શેલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “શેલે તમામ રશિયન હાઇડ્રોકાર્બન બિઝનેસમાંથી એક્ઝિટનો નિર્ણય લીધો છે. અમે યુકે સહિતની યુરોપિયન સરકારોના માર્ગદર્શન અનુસાર કામગીરી કરી રહ્યાં છે તથા પ્રતિબંધો, લાગુ કાયદાઓ અને નિયમોના સંપૂર્ણ પાલન કરીએ છીએ. સરકારોના સતત ગાઇડન્સ અને અમારા કડક આંતરિક કંટ્રોલ અમે રશિયામાં રિફાઇન્ડ થયેલી પ્રોડક્ટ્સને ટાળી રહ્યાં છીએ.