લંડનના હીથ્રો ખાતે તા. 19ના રોજ બપોરે 12-50 કલાકે 40.2 (104F)થી વધુ ડીગ્રી સેલ્સીયસના તાપમાન સાથે યુકેએ રેકોર્ડરૂપ સૌથી ગરમ તાપમાન નોંધાવ્યું છે અને હજૂ ગરમી સતત વધી રહી છે. આગાહીકારો કહે છે કે મંગળવારે તાપમાન 42 ડીગ્રી સેલ્સીયસ સુધી પહોંચી શકે છે જે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર અસરો કરશે. બુધવારે ગરમીમાંથી થોડી રાહત રહેશે તેમ લાગે છે પરંતુ તેની અસર બહુ નહીં હોય.
હાલમાં આ અહેવાલ લખાય છે ત્યારે પણ ગરમી માટેની યુકેની સૌ પ્રથમ રેડ એલર્ટ મોટાભાગના ઈંગ્લેન્ડમાં લાગુ છે અને લોકોને સતત ઠંડકમાં રહેવા અને પાણી પીતા રહેવા વિનંતી કરવામાં આવી રહી છે. યુકેમાં આ અગાઉનો રેકોર્ડ જુલાઈ 2019માં કેમ્બ્રિજમાં 38.7 ડીગ્રી સેલ્સીયસ તાપમાનનો હતો.
લંડન ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે સાઉથ લંડનના ક્રોયડનના મોટા પાર્ક શર્લી હિલ્સમાં દાવાનળ – આગ લાગી હતી. લગભગ 25 ફાયરફાઇટર્સ ઘાસની આગને કાબુમાં લઇ રહ્યા છે. જ્યારે
175 ફાયરફાઇટર્સને ઇસ્ટ લંડનના અપમિન્સ્ટરમાં પી લેન પર ઘાસની આગનો સામનો કરવા રવાના કરાયા હતા. M25 પર ત્રણ હેક્ટર મકાઈના ખેતર અને કેટલાક સ્ક્રબલેન્ડ સળગ્યા હતા.
ચાર્લવુડ, સરેમાં મંગળવારે 39.1 સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું. વેલ્સમાં, ફ્લિન્ટશાયરમાં હાવર્ડનમાં 35.5, સ્કોટલેન્ડમાં, ડમફ્રીઝ અને ગેલોવેમાં એસ્કડેલેમુઇરમાં તાપમાન 30 સેલ્સીયસ અને નોર્ઘર્ન આયર્લેન્ડમાં કિલોવેન, કાઉન્ટી ડાઉનમાં 25.6 સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.
મોન્ક્સ વુડ, કેમ્બ્રિજશાયરમાં 38.5, સટન બોનિંગ્ટન, નોટિંગહામશાયરમાં 38.5, સેન્ટન ડાઉનહામ, સફોકમાં 37.9 અને ગ્રેટર માન્ચેસ્ટરમાં રોચડેલમાં 36.3 સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું. સોમવારે ઇસ્ટ ઈંગ્લેન્ડના સફોકમાં 38.1 સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું. વેસ્ટ યોર્કશાયરમાં એમ્લી મૂરમાં 25.9 સેલ્સીયસ તાપમાન સાથે રાત્રિના સમયનો રેકોર્ડ તોડ્યો હોવાની શક્યતા છે. લંડનના કેટલાક ભાગોમાં સોમવારે રાત્રે 26 ડિગ્રી સેલ્સિયસની રેકોર્ડ ગરમી નોંધાઇ હતી.
A1/M1 કોરિડોરના સ્થળોએ 42 સેલ્સીયસ સુધી તાપમાન જાય તેવી અપેક્ષા છે. સ્કોટલેન્ડમાં પણ તાપમાન 32.9 સેલ્સીયસના ઐતિહાસિક રેકોર્ડને વટાવે તેવી અપેક્ષા છે. વેલ્સમાં, રાયલ, ફ્લિન્ટશાયરમાં મંગળવારે સવારે 11 કલાકે 33.4 તાપમાન નોંધાયું હતું.
મંગળવારે તાપમાનમાં ઝડપથી વધારો થતાં, સમગ્ર યુકેમાં ઇમરજન્સી રિસ્પોન્સ ચેતવણી જારી કરવામાં આવી છે. ઝૂલતા કંડક્ટર અને ઓવરહિટીંગ ટ્રાન્સફોર્મર્સને કારણે યોર્કશાયરમાં પાવર નેટવર્કમાં ખામી સર્જાતા સમગ્ર યોર્કશાયરમાં સંખ્યાબંધ પાવર કટની જાણ કરાઇ છે. સુપ્રીમ કોર્ટે ઓનલાઈન સુનાવણી કરી હતી તો બ્રિટિશ મ્યુઝિયમ બપોરે 3 વાગ્યે વહેલું બંધ થઈ ગયું હતું.
રાજધાની લંડન સહિત સેન્ટ્રલ, નોર્થ અને સાઉથ-ઇસ્ટ ઇંગ્લેન્ડના મોટા ભાગના વિસ્તારોમાં ભારે ગરમીની રેડ એલર્ટ આપવામાં આવી છે.
સાઉથ અને ઇસ્ટ ઈંગ્લેન્ડમાં પાણીની કંપનીઓએ ચેતવણી આપી હતી કે માંગમાં વધારો થવાથી કેટલાક ઘરોને નીચા દબાણે પાણી મળી શકે છે અને પુરવઠામાં વિક્ષેપ પણ આવી શકે છે.
નિષ્ણાતોના મતે, માનવ પ્રેરિત ક્લાયમેટ ચેન્જને કારણે હીટવેવ વધુ સંભવિત અને વધુ આત્યંતિક બની રહ્યા છે અને આગામી વર્ષોમાં પણ આવી જ ગરમી રહેશે. ઔદ્યોગિક યુગની શરૂઆત થઈ ત્યારથી વિશ્વ પહેલેથી જ લગભગ 1.1 સેલ્સીયસ ગરમ થઈ ગયું છે, અને જ્યાં સુધી કાર્બન ઉત્સર્જનમાં તીવ્ર ઘટાડો કરવામાં નહીં આવે ત્યાં સુધી તાપમાન વધતું જ રહેશે.
મહારાણીએ મંગળવારની રેકોર્ડ ગરમી દરમિયાન કામ કરવાનું ચાલુ રાખી નવા યુએસ એમ્બેસેડરને વર્ચ્યુઅલી મળ્યા હતા.
શાળાઓ ચાલુ રાખવાની સરકારી સલાહ હોવા છતાં સોમવારે સંખ્યાબંધ શાળાઓ બંધ જોવા મળી હતી. જોકે એક ટીચીંગ યુનિયને જણાવ્યું હતું કે મોટાભાગની શાળાઓ ખુલ્લી રહી હતી.
યુરોપમાં પણ આગઝરતી ગરમી
પશ્ચિમ યુરોપમાં લોકો મંગળવારે વધુ તીવ્ર તાપમાનનો સામનો કરી રહ્યા છે. ફ્રાન્સમાં ભારે ગરમીની ચેતવણીઓ જારી કરવામાં આવી હતી જ્યારે ઉત્તર સ્પેનમાં સોમવારે તાપમાન 43 સેલ્સીયસ (109F) જોવા મળ્યું હતું. ફ્રાન્સ, પોર્ટુગલ, સ્પેન અને ગ્રીસમાં જંગલોમાં લાગેલી આગને કારણે હજારો લોકોને તેમના ઘરો ખાલી કરવાની ફરજ પડી છે. સ્પેનના ઝમોરા પ્રદેશમાં જંગલમાં લાગેલી આગથી બે લોકોના મોત થયા હતા અને આગને કારણે ટ્રેનો રોકી દેવામાં આવી હતી. ઉત્તરી પોર્ટુગલમાં આગથી બચવાનો પ્રયાસ કરતી વખતે એક વૃદ્ધ દંપતીનું મોત થયું હતું. ફ્રાન્સના નેન્ટેસમાં 42 સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.
વૃદ્ધ લોકોને સાચવવા વિનંતી
એજ યુકેએ ચેતવણી આપી હતી કે વૃદ્ધ લોકોને ઓવરહિટીંગ અને ડિહાઇડ્રેશનનું જોખમ વધારે હોવાથી લોકોને તેમના વૃદ્ધ મિત્રો અથવા સંબંધીઓની તપાસ કરતા રહેવા વિનંતી કરી હતી.
હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ સેવાઓ પર પણ ગરમીના કારણે દબાણ આવે તેવી ચેતવણીઓ આપવામાં આવી હતી.
હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલેએ જણાવ્યું હતું કે ‘’હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ સેવાઓ પર દબાણની ચેતવણીઓ આપવામાં આવી છે અને વધુ કોલ હેન્ડલર્સ મૂકવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ અને 111 સેવાઓ માટે વધારાનું ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
લંડન એમ્બ્યુલન્સ સર્વિસે જણાવ્યું હતું કે તેણે સોમવારે હીટવેવને લગતા 6,600 કોલ મેળવ્યા હતા. જેમાં રાતના 11થી સવારના 3 વચ્ચે વધુ કોલનો અનુભવ થયો હતો. જો કે કોલર્સની સંખ્યા અપેક્ષિત 8,000 કરતાં ઓછી હતી.
રોડ અને રેલ નેટવર્કને અસર
નેટવર્ક રેલે દેશના કેટલાય ભાગોમાં “સફર નહિં કરવા” ચેતવણી જારી કરી હતી. તાપમાનના કારણે બપોરે રસ્તાઓ નરમ થવાની સંભાવના હોવાથી અને ડામર ઓગળી જાય તેવી શક્યતાઓ હોવાથી વાહનચાલકોને સાવચેતી રાખવા જણાવાયું હતું. હીટવેવ્સ વધુ હોવાથી રોડ નેટવર્કને પણ નુકસાન થયું હોવાના અહેવાલ છે. દેશના બદલાતા વાતાવરણનો સામનો કરવા માટે એન્જિનિયરો હવે રસ્તા પર વપરાતી સામગ્રીને સુધારવાની રીતો શોધી રહ્યા છે.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે યુકેનું રેલ નેટવર્ક ભારે ગરમીનો સામનો કરી શકતું નથી અને તેને અપગ્રેડ થતાં પહેલાં “ઘણા વર્ષો” લાગશે. 40 સેલ્સીયસ ગરમીમાં રેલવેના ટ્રેકનું તાપમાન 50થી 70 સેલ્સીયલ સુધી પહોંચી શકે છે જેનાથી ટ્રેક બકલીંગ અને એન્જીન કે કોચીસ પાટા પરથી ઉતરી જવાનો ભયંકર ભય છે. અમે નવી ઓવરહેડ લાઇન બનાવી રહ્યા છીએ જે ઊંચા તાપમાનનો સામનો કરી શકે છે. પરંતુ આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બનાવવામાં દાયકાઓ લાગશે.”
સોમવારે ગરમીની અસર લુટન એરપોર્ટ અને રોયલ એર ફોર્સ (RAF) બ્રિઝ નોર્ટનના રનવે પર પણ પડી હતી, જેના કારણે એરક્રાફ્ટને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. સોમવારે સમર હોલીડે પહેલા સંખ્યાબંધ શાળાઓ બંધ જોવા મળી હતી. થેમ્સલિંક, ગ્રેટ નોર્ધન, ઈસ્ટ મિડલેન્ડ્સ અને ઈસ્ટ કોસ્ટ રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે – અથવા એકસાથે રદ કરવામાં આવી છે.
સોમવારની સાંજે ભારે ગરમીના કારણે નેટવર્ક રેલના કેટલાક રૂટ પર બકલ્ડ રેલ્સ અને ઓવરહેડ વાયર સિસ્ટમ નિષ્ફળ ગઈ હોવાની ફરિયાદો મળી હતી. નેટવર્ક રેલની ઈસ્ટ કોસ્ટ મેઈનલાઈન અને મિડલેન્ડ મેઈનલાઈનને બંધ કરાઇ હતી.
દુકાળ સામે પહેલાથી પગલા લો
નેશનલ ફાર્મર્સ યુનિયનના પ્રમુખ મિનેટ બેટર્સે ચેતવણી આપી છે કે યુકેમાં બદલાતી આબોહવાને કારણે પાણીની તંગીનો સામનો કરવા માટે તેઓ સજ્જ નથી. અભૂતપૂર્વ તાપમાન “ખરેખર પાણીની સુરક્ષા સાથેના મુદ્દાઓને રજૂ કરે છે. હજુ સુધી સંપૂર્ણ વિકસિત દુષ્કાળ પડ્યો નથી, પરંતુ તે વધુ ખરાબ થાય તે પહેલાં આપણે ખરેખર શું કરવાની જરૂર છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ”
બ્રિટનમાં ડૂબી જવાથી 11ના મોત
ગરમીથી બચવાનો પ્રયાસ કરવા નદી-તાળાવોમાં નાહવા પડતી વખતે 11 લોકો ડૂબી ગયા ગયા હોવાના અહેવાલ બાદ ખુલ્લા પાણીમાં પ્રવેશવાના જોખમો વિશે ચેતવણીઓ આપવામાં આવી છે.
18 જુલાઈ: મેઇડનહેડમાં બ્રે લેક – બર્કશાયરમાં સોમવારે 16 વર્ષીય છોકરાનું મૃત્યુ થયું હતું. હેમ્પટનમાં થેમ્સ નદી – રિચમંડમાં થેમ્સમાં મુશ્કેલીમાં આવ્યા બાદ 14 વર્ષનો એક છોકરો ડૂબી ગયો હતો.
17 જુલાઈ: મોર, સ્કોટલેન્ડમાં રિવર સ્પીમાંથી એક 51 વર્ષીય માણસને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ તેને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઓવિંગહામમાં ટાઈન નદી – નોર્થમ્બરલેન્ડના ઓવિંગહામ નજીક ટાઈન નદીમાં 13 વર્ષનો રોબર્ટ હેટરસ્લી મુશ્કેલીમાં મુકાયા પછી તેનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. કિલોર્ગલિન, નોર્ધર્ન આયર્લેન્ડમાં ક્રોમેન ખાડીમાં પાણીમાં ડૂબતા 50ના દાયકાના એક માણસનું મૃત્યુ થયું હતું.
16 જુલાઈ: બ્રાઇટન બીચ પર 37 વર્ષીય વ્યક્તિને સાંજે પાણીમાંથી ખેંચી કાઢી હોસ્પિટલમાં લઈ જવાતા તેનું દુઃખદ અવસાન થયું હતું. આર્ડસ્લી રિઝર્વીયર, વેસ્ટ યોર્કશાયરમાં સ્વિમિંગ કરતી વખતે ડૂબી જવાથી 50 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. સેલફર્ડ ક્વેઝ, ગ્રેટર માન્ચેસ્ટર – કાલેન વો નામનો 16 વર્ષનો કિશોર મૃત્યુ પામ્યો હતો.
14 જુલાઈ: કોનવી મોર્ફા બીચ, નોર્થ વેલ્સ ખાતે 24 વર્ષની એમ્મા લુઇસ પોવેલ તેના બે મિત્રો સાથે ગુરુવારે સાંજે પેડલબોર્ડિંગ કરતી હતી ત્યારે ડૂબી ગઇ હતી.
11 જુલાઈ: વેસ્ટ યોર્કશાયરની વેકફિલ્ડમાં નહેરમાં તરતી વખતે ડૂબી જતા એલ્ફી મેક-ક્રોનું દુઃખદ અવસાન થયું હતું.
9 જુલાઈ: એપ્લી બ્રિજ, લેન્કેશાયરનો 16 વર્ષનો જેમી લેવિન એપ્લે બ્રિજ ખાતે બિનઉપયોગી ખાણમાં તરતી વખતે પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યો હતો.
ઇમરજન્સી સેવાઓ એસેક્સમાં ક્લેક્ટન પિયરમાં ગુમ થયેલ વ્યક્તિની શોધ કરી રહી છે. આઈલ ઓફ વાઇટમાં દરિયામાં ખેંચાઈ જવાથી એક માણસનું મૃત્યુ થયું છે.