UK freezes over, Accidents on icy roads across the country
પ્રતિક તસવીર (Photo by Leon Neal/Getty Images)

છેલ્લા 5 દિવસથી પડતી હાડ થીજાવતી ઠંડી અને ઠંડા ધુમ્મસ વચ્ચે દેશભરમાં રવિવાર રાતથી સ્નોની ચાદર બીછાઇ જતા ઠેરઠેર લોકો માટે મુસાફરી કરવાનું અરાજકતાભર્યું બન્યું હતું. 8, 10 અને 11 વર્ષની વયના ત્રણ બાળકો રવિવારે વેસ્ટ મિડલેન્ડ્સના સોલિહલના બેબ્સ મિલ પાર્કમાં થીજી ગયેલા તળાવમાં પડી જતાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે એક બાળકનું જીવનમરણ વચ્ચે આકરી લડાઇ બાદ સારવાર દરમિયાન બુધવારે મરણ થયું હતું. બીજી તરફ 12 ડિસેમ્બરના રોજ સાંજે લંડન બ્રિજ પાસે થેમ્સ નદીમાં પડી ગયેલા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તેની લાશ રાત્રે 9.25 વાગ્યે લંડન બ્રિજ પાસેથી મળી આવી હતી.

દેશભરમાં મુખ્ય રસ્તાઓ બંધ થઇ જતા ટ્રાફિક જામના બનાવો નોંધાયા હ

તા તો ફ્લાઇટ્સ, ટ્રેનો અને બસો રદ કરવામાં આવી હતી. આર્ક્ટિક બ્લાસ્ટ પછી કેટલાય વિસ્તારોમાં શાળાઓ બંધ કરાઇ હતી અને બ્રિટનમાં નોર્ઘન સ્કોટલેન્ડમાં તાપમાન માઈનસ 17 સેલ્સીયસની નીચે જતા રવિવારની રાત વર્ષની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત બની હતી. સ્નોના કહેરને કારણે સમગ્ર યુકેમાં હજારો શાળાઓને સોમવારે અને મંગળવારે બંધ કરવાની ફરજ પડી હતી.

બીજી તરફ મંગળવારે તા. 13ના રોજ મુસાફરોને ‘ઘાતક’ બર્ફીલા રસ્તાઓ અને રેલ હડતાલની બેવડી અંધાધૂંધીનો સામનો કરવો પડ્યો હતો. યુકેના કેટલાય ભાગો મંગળવારે પણ આઇસ અને બરફથી ઘેરાયેલા રહ્યા હતા. હવામાન કચેરીએ કામચલાઉ ધોરણે સોમવારની રાત અને દિવસ વર્ષનો સૌથી ઠંડો હોવાનું નોંધ્યુ હતું.

મેટ ઓફિસે જણાવ્યું હતું કે એબરડીનશાયરના બ્રેમર ખાતે સૌથી નીચું તાપમાન માઇનસ 17 જ્યારે મહત્તમ તાપમાન માઇનસ 9.3 સેલ્સીયસ નોંધાયું હતું. બાલમોરલ ખાતે માઇનસ 13.1 સેલ્સીયસ નોંધાયું હતું. છેલ્લા 12 વર્ષમાં સૌ પ્રથમ વખત 3 કલાકમાં 9 સેમી હિમવર્ષા થઇ હતી. જે ટૂંકા ગાળામાં સૌથી ભારે હિમવર્ષા થઇ હતી.

આજે સોમવારે તા. 12ના રોજ પણ યુ.કે.ના મોટા ભાગના વિસ્તારોમાં બરફ, ધુમ્મસ અને સ્નોની ચેતવણીઓ આપવામાં આવી હતી. સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડના વિસ્તારોના ડ્રાઇવરોને ભારે હિમવર્ષાને કારણે જરૂરી ન હોય તો કારની મુસાફરી ન કરવાની વિનંતી કરાઇ છે.

યુકેના વિવિધ એરપોર્ટ પરથી ઉડાન ભરતી 100થી વધુ ફ્લાઇટ્સ રવિવાર અને સોમવારે રદ કરાઇ હતી. તો હીથ્રો એરપોર્ટે રવિવારે રાત્રે 300 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. ગેટવિક, સ્ટેનસ્ટેડ, લુટન અને લંડન સિટી એરપોર્ટ સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યાં હતાં. કેટલાય મુસાફરો ફ્લાઈટ્સ રદ કે વિલંબિત થતા સોમવારે સવારે યુકેના વિવિધ એરપોર્ટ્સ પર અટવાયા હતા.

મેટ ઓફિસે પણ લોકોને બીનજરૂરી મુસાફરી ન કરવા ચેતવણી આપી છે. રાત્રે થતી ભારે હિમવર્ષા બર્ફીલી સ્થિતિમાં ફેરવાતી હોવાથી અને ઠંડું ધુમ્મસ નીચે ઉતરતા રસ્તાઓ, રેલ્વે અને એરપોર્ટના રનવે પર ગંભીર વિક્ષેપ પેદા થાય છે. M25 નો એક ભાગ કેટલાય કલાકો સુધી બંધ રહ્યા બાદ ડ્રાઇવરો મોટરવે પર લાંબી કતારોમાં અટવાઈ ગયા હતા. 25 જેટલા ગ્રિટર્સ M25 પર કામે લગાવાયા હતા. લોકલ ગવર્નમેન્ટ એસોસિએશનના અહેવાલ મુજબ આ શિયાળામાં રસ્તાઓ માટે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા 1.4 મિલિયન ટન મીઠું સંગ્રહિત કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર સાઉથ-ઇસ્ટર્ન રેલ્વે નેટવર્કમાં સ્નો અને બરફે વિનાશ વેર્યા બાદ મુસાફરોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવી હતી, જ્યારે લંડન અંડરગ્રાઉન્ડ પણ વિલંબથી પ્રભાવિત થયું હતું. કેન્ટમાં બરફ અને ઠંડા તાપમાનને કારણે 50 થી વધુ શાળાઓ બંધ રખાઇ હતી.

ઉબર, ડીલીવરૂ વગેરે ઓનલાઇન ડીલીવરી સેવાઓ આપતા સ્કૂટર સવાર ડીલીવરી ડ્રાઇવર્સ ન મળવાના કારણે આ સેવાઓ અટવાઇ ગઇ હતી.

મેટ ઓફિસના હવામાનશાસ્ત્રી રશેલ આયર્સે જણાવ્યું હતું કે ‘આગામી અઠવાડિયા દરમિયાન ઠંડું તાપમાન, ઠંડું ધુમ્મસ અને શિયાળાના વરસાદની અપેક્ષા રાખવામાં આવે છે. વાદળોનું આવરણ તાજેતરના દિવસોમાં અનુભવાયેલા કેટલાક વધુ તીવ્ર તાપમાનને અટકાવી શકે છે. આગામી વિકેન્ડમાં થોડી હળવી સ્થિતિ સર્જાય તેવી સંભાવના છે પરંતુ તે નિશ્ચિત કરવું ખૂબ જ વહેલું છે.’’

મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સાઉથ-ઇસ્ટ અને ઇસ્ટ ઇંગ્લેન્ડમાં સ્નો પડવાની ચેતવણી સહિત મોટાભાગના યુકેમાં સ્નો, આઇસ અને ધુમ્મસ માટે યલો વેધર વોર્નીંગ આપવામાં આવી હતી.  તો નોર્ધર્ન સ્કોટલેન્ડ અને નોર્થ-ઇસ્ટ ઈંગ્લેન્ડના ઘણા વિસ્તારોમાં મંગળવાર તા. 13ની બપોરથી આગામી 48 કલાક માટે વિન્ટરી શાવરની ચેતવણી અપાઇ હતી. ત્યાં ઉંચાણવાળા વિસ્તારોમાં 15 થી 20 સેન્ટિમીટર જેટલો બરફ જમા થઈ શકે છે.

નેશનલ ગ્રીડે ઠંડું હવામાન યુકેના પાવર નેટવર્ક પર દબાણ કરતું હોવાથી તેના બે કોલસાથી ચાલતા પાવર સ્ટેશનને વીજળીનું ઉત્પાદન ચાલુ કરવા તૈયાર થવા જણાવ્યું હતું.

સ્કોટિશ દરિયાકિનારે આવેલા શેટલેન્ડ ટાપુઓમાં, ઓવરહેડ લાઇન પર બરફ જામી જતા સોમવારે તા. 12ના રોજ લગભગ 2,700 ઘરો રાતભર વીજળી વિના રહ્યા હતા. ભારે બરફ પછી આજે શેટલેન્ડમાં એક શાળા સિવાયની તમામ શાળાઓ બંધ રહી હતી. UHI શેટલેન્ડના લેર્વિક અને સ્કેલોવે કોલેજ કેમ્પસ પણ બંધ છે. એનર્જી કંપની SSEN એ મંગળવારે સવારે 11 વાગ્યા સુધીમાં પાવર પુનઃસ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.

હેક્સહામ, નોર્થમ્બરલેન્ડમાં ટાઈન નદી પર બરફના અદભૂત પેનકેક જોવામાં આવ્યા હતા. જે તરતા સ્થિર પિઝા જેવા લાગતા હતા.

ધ ટાઇમ્સના અહેવાલ મુજબ ગયા વર્ષના સમાન સમયની સરખામણીમાં ગયા વિકેન્ડમાં વાહન અકસ્માત બાદ સલાહ માટે કૉલ કરનારા લોકોની સંખ્યામાં AA એ 135 ટકાનો વધારો અનુભવ્યો હતો. તો RACએ 7,500 થી વધુ વાહનચાલકોને બ્રેકડાઉનમાં મદદ કરી હતી. જે સંખ્યા ગત ડિસેમ્બરના સામાન્ય સોમવારની સરખામણીએ 50 ટકા વધુ હતી. આરએસીના પ્રવક્તા રોડ ડેનિસે કહ્યું હતું કે ‘અમે રાતોરાત મોટા રિફ્રીઝ પછી મંગળવાર સુધી જોખમી રસ્તાની સ્થિતિ ચાલુ રહેવાની અપેક્ષા રાખીએ છીએ. લોકોએ વધુ ગ્રામીણ રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે અને તેના પર મીઠાનો છંટકાવ કર્યો નહિં હોવાથી ખૂબ જ કાળજી લેવી પડશે અને  વિલંબ થશે.’

LEAVE A REPLY