યુરોપિયન યુનિયન (ઇયુ)માંથી બ્રિટનના નીકળવાની જહેમત શુક્રવારે પૂરી થઇ જશે. ઇયુ સંસદે ગુરુવારે બ્રેક્ઝિટ કરારને મંજૂરી આપી દીધી છે. તે હેઠળ 31 જાન્યુઆરીએ ઇયુથી અલગ થઇ જશે. 4 વર્ષ સુધી ચાલેલી ખેંચતાણ બાદ બુધવારે ઇયુ સંસદે 41 વિ. 621 મતની બહુમતીથી બ્રેક્ઝિટ કરાર પર મહોર લગાવી દીધી.
આ કરારને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને ગત વર્ષના અંતમાં ઇયુના 27 નેતા સાથે વાતચીત બાદ આખરી ઓપ આપ્યો હતો. બ્રિટને જૂન, 2016માં જનમત સંગ્રહમાં બ્રેક્ઝિટને મંજૂરી આપી દીધી હતી. તે 2020ના અંત સુધી ઇયુની આર્થિક વ્યવસ્થામાં રહેશે પણ નીતિવિષયક બાબતોમાં તેની કોઇ ભૂમિકા નહીં હોય. તે ઇયુનું સભ્ય પણ નહીં રહે.
બ્રેક્ઝિટ શું છે: બ્રિટન ઇયુમાંથી બહાર થયું તે જ બ્રેક્ઝિટ કહેવાયું. ઇયુમાં યુરોપના 28 દેશની આર્થિક-રાજકીય ભાગીદારી છે. બીજા વિશ્વયુદ્ધ બાદ આર્થિક સહયોગ વધારવા ઇયુ બન્યું હતું. ખ્યાલ એવો હતો કે જે દેશો પરસ્પર વ્યાપાર કરશે તેઓ અંદરોઅંદર યુદ્ધ ટાળશે. યુરો ઇયુનું પોતાનું ચલણ છે, જેનો 19 સભ્ય દેશ ઉપયોગ કરે છે. બ્રિટન 1973માં ઇયુ સાથે જોડાયું હતું.
જરૂરિયાત કેમ?: ઇયુમાં બ્રિટનનું ક્યારેય ચાલ્યું જ નહીં. ઊલટાનું બ્રિટનના લોકોના જીવન પર ઇયુનું નિયંત્રણ વધુ છે. તે વ્યાપાર માટે બ્રિટન પર ઘણી શરતો લાદે છે. બ્રિટનના રાજકીય પક્ષોને લાગે છે કે અબજો પાઉન્ડની વાર્ષિક ફી આપવા છતાં બ્રિટનને ઇયુથી ઝાઝો ફાયદો નથી થતો. તેથી બ્રેક્ઝિટની માગ ઊઠી હતી.
પરંપરાગત ગીત સાથે વિદાય : ઇયુની સંસદમાં બ્રેક્ઝિટ માટે મતદાન દરમિયાન લાગણીસભર માહોલ રહ્યો. મતદાન બાદ સાંસદોએ બ્રિટન માટે પરંપરાગત ગીત ગાયું. ઇયુ પ્રેસિડેન્ટ ઉર્સુલા વોને બ્રિટનના પ્રસિદ્ધ લેખક જ્યોર્જ ઇલિયટની પંક્તિઓ દોહરાવતાં કહ્યું- અલગ થવાના દુ:ખમાં અમે અમારા પ્રેમનું ઊંડાણ જોઇએ છીએ. બ્રિટિશ સાંસદોએ કહ્યું કે અમે આ ટીમમાં પાછા આવીશું, લોન્ગ લિવ યુરોપ… ક્યાંક-ક્યાંક બ્રેક્ઝિટ ખતમ થયાની ખુશી પણ જોવા મળી.