બ્રિક્સ દેશોના સંમેલનને સંબોધતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર ચાલુ વર્ષે 7.5 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી સંભાવના છે, જેથી તે સૌથી ઝડપથી વિકસતી અગ્રણી અર્થવ્યવસ્થા બનશે.
બ્રિક્સ બિઝનેસ ફોરમની બેઠકને ઓનલાઈન સંબોધતા વડાપ્રધાને ભારતની ડિજિટલ ઈકોનોમીની વૃદ્ધિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે 2025 સુધીમાં તેનું મૂલ્ય 1 ટ્રિલિયન ડોલરને પાર થઈ જશે. સરકાર દરેક ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપી રહી છે. દેશના નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપાઈલન ક્ષેત્રે 1.5 ટ્રિલિયન ડોલરના રોકાણની તક રહેલી છે. હાલમાં ભારતમાં જે પ્રમાણે ડિજિટલ પરિવર્તન થઈ રહ્યું છે તેવું વિશ્વમાં અન્યત્ર ક્યારેય જોવાયું નથી. મહામારીને કારણે ઉભી થયેલી સમસ્યાઓના ઉકેલ માટે ભારતે ‘રિફોર્મ, પરફોર્મ તથા ટ્રાન્સફોર્મ’નો મંત્ર અપનાવ્યો છે. જેના પરિણામો ભારતીય અર્થતંત્રની બહેતર કામગીરીમાં જોવા મળી રહ્યાં છે.
ચાલુ વર્ષે અમે 7.5 ટકાના દરે વૃદ્ધિ નોંધાવીએ તેવી અપેક્ષા છે, જેને પગલે અમે સૌથી ઝડપથી વિકસતી અગ્રણી અર્થવ્યવસ્થા બનીશું. ભારતની વર્તમાન અર્થવ્યવસ્થાનો મહત્વનો પાયો ટેક્નોલોજી આધારિત વૃદ્ધિ છે અને સરકારે સ્પેસ, બ્લુ ઈકોનોમી, ગ્રીન હાઈડ્રોજન, ક્લીન એનર્જી, ડ્રોન તથા જીઓ-સ્પેશિયલ ડેટા સહિતના ક્ષેત્રો માટે સંશોધનને અનુકૂળ નીતિઓ બનાવી છે. હાલમાં ભારતમાં સંશોધન માટે વિશ્વની શ્રેષ્ઠ ઈકો સિસ્ટમ છે.
દેશમાં મોટી સંખ્યામાં કાર્યરત સ્ટાર્ટ-અપ્સ તેનો પુરાવો છે. હાલમાં દેશમાં 100થી વધુ યુનિકોર્ન્સ છે અને 70,000થી વધુ સ્ટાર્ટ-અપ્સ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. કોરોના દરમિયાન પણ ભારતે કારોબાર કરવાની સુગમતામાં વધારો કરવાના પગલાં લેવાનું ચાલુ રાખ્યું હતું અને અનેક નકામાં કાયદા દૂર કર્યા હતાં.