ગુજરાતની ડિઝાનર ઇંટોની ધનાઢ્ય લોકોના ડિઝાઇનર હોમ્સમાં ભારે માગ જોવા મળી રહી છે. ધનાઢ્ય લોકોમાં હવે ડિઝાઈનર હોમ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે જેના કારણે ગુજરાત સ્થિત ઇંટ ઉત્પાદકો પોતાની પ્રોડક્ટમાં ઘણી વિવિધતા લાવી રહ્યા છે. તેઓ હજારો વેરાયટીમાં ડિઝાઇનર, એલિવેટેડ ઇંટો રજૂ કરી રહ્યા છે, જે સેલિબ્રિટીઓના ઘરની શોભા વધારે છે.
અમદાવાદ સ્થિત હરિહર બ્રિક્સ અને ગોધરા સ્થિત જય જલારામ બ્રિક્સે રિતિક રોશનના વીકએન્ડ હોમ માટે એલિવેટેડ ઇંટો પૂરી પાડી છે. તેવી જ રીતે સુરવીન ચાવલાના મુંબઈ સ્થિત ઘર માટે પણ તેમણે ઈંટો બનાવી છે. હરિહર બ્રિક્સના માલિક હેમલ પ્રજાપતિ જણાવે છે કે, “અમે મુંબઈ, દિલ્હી અને દેશના બીજા શહેરોમાં જાણીતા આર્કિટેક્ટને ઇંટો પૂરી પાડી છે. અમે યુરોપિયન દેશોમાંથી પણ ઘણા ઓર્ડર મેળવ્યા છે.
કંપનીએ તાજેતરમાં અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિરના બાંધકામ માટે પણ ઇંટો સપ્લાય કરી છે. ગુજરાતમાં ઉત્પાદિત ડિઝાઈનર બ્રિક્સ માટે યુરોપ અને મિડલ ઈસ્ટ હાલમાં સૌથી મોટા એક્સપોર્ટ માર્કેટ તરીકે ઉભરી આવ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ ધીમે ધીમે બ્રિક્સની નિકાસ વધી રહી છે.
જય બ્રહ્માણી બ્રિક વર્ક્સના પ્રમોટર નિસર્ગ પ્રજાપતિએ જણાવ્યું કે, “અમે હેન્ડમેડ, મશીન મેડ અને પ્રેસ એક્સપોઝ્ડ બ્રિક્સ બનાવીએ છીએ. અત્યાર સુધી અમે સ્થાનિક બજારમાં સપ્લાય કરતા હતા, પરંતુ હવે મિડલ-ઇસ્ટ, યુરોપ અને અમેરિકામાં ઇંટોનો સપ્લાય શરૂ કર્યો છે. ભવ્ય બંગલો અને બિલ્ડિંગ્સ બનાવવા માટે આવી ઇંટોની ભારે ડિમાન્ડ છે અને ગુજરાત તેમાં મહત્ત્વના સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે.”ગુજરાતમાં લગભગ 1200 જેટલા ઇંટ ઉત્પાદકો છે જેઓ દર વર્ષે આશરે 400 કરોડ ઇંટોનું ઉત્પાદન કરે છે. પરંતુ એલિવેશન ઇંટોનું ઉત્પાદન કરતા હોય તેવા માંડ 10 ઉત્પાદકો છે.