યુરોપિયન યુનિયન – બ્રસેલ્સ સાથે વડાપ્રધાન બોરિસ જોન્સનને બ્રેક્ઝિટ વેપાર સોદો કરવામાં સફળતા મળી હતી અને તેને 14 કલાકની પાર્લામેન્ટરી પ્રોસેસ બાદ કાયદામાં પસાર કરાયા પછી મહારાણીએ તેને શાહી સંમતિ પણ આપી હતી. વડા પ્રધાન બોરિસ જોન્સને એક જ દિવસમાં યુરોપિયન યુનિયન (ભાવિ સંબંધ) બિલ પસાર કરવા બદલ સાંસદો અને પોતાના સાથીદારોનો આભાર માન્યો હતો. તા. 31 ડિસેમ્બરના રોજ 11 વાગ્યાથી યુકે અને ઇયુના 47 વર્ષના ગાઢ સંબંધો સમાપ્ત થશે અને તે જ સમયે આ વેપાર સોદો અમલમાં મૂકશે.
જોન્સને કહ્યું હતું કે “આ મહાન દેશનું ભાગ્ય હવે નિશ્ચિતપણે આપણા હાથમાં છે. અમે બ્રિટીશ લોકોના હિતની ભાવના સાથે આ ફરજ નિભાવીએ છીએ. તા. 31 ડિસેમ્બરના રોજ રાતના 11 વાગ્યે આપણા દેશના ઇતિહાસમાં નવી શરૂઆત થશે અને ઇયુ સાથે તેમના સૌથી મોટા સાથી તરીકેના એક નવા સંબંધને ચિહ્નિત કરાશે. આ ક્ષણ આખરે આપણા હાથ પર છે અને હવે તેને ઝડપી લેવાનો સમય છે.”
ક્રિસમસના આગલા દિવસે વડા પ્રધાન અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લ્યેન દ્વારા થયેલ સંધીને મંજૂરી આપવા માટે યુરોપિયન યુનિયન-યુકે વેપાર અને સહકાર કરારને મંજૂરી આપવા માટે સંસદનું એક દિવસીય ઇમરજન્સી સત્ર બોલાવવામાં આવ્યું હતું.
હાઉસ ઑફ લોર્ડ્સે બુધવારે મોડી સાંજે બિલને બિનહરીફ ત્રીજા વાંચન માટે મંજૂરી આપી હતી અને 521 સાંસદોએ તેની તરફેણમાં અને 73 સાંસદોએ તેની વિરૂધ્ધમાં મત આપ્યા હતા જેને પગલે 448 મતની બહુમતી સાથે આ બિલ મંજૂર કરાયું હતું. સ્કોટીશ નેશનાલિસ્ટ પાર્ટી, લિબરલ ડેમોક્રેટ, ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી, પ્લેઇડ કમરી, ગ્રીન, એસ.ડી.એલ.પી. અને એલાયન્સે વિરૂધ્ધમાં મત આપ્યા હતા. જ્યારે લેબર અને ટોરીએ તરફેણમાં મત આપ્યા હતા. લેબર નેતા સર કેર સ્ટાર્મરે લેબર સાંસદોને આ કરારને સમર્થન આપવા માટે વ્હીપ મોકલ્યો હતો જો કે તેમણે કહ્યું હતું કે આ સંધિમાં “ઘણી ભૂલો” હતી અને તેમણે આ સોદાને “પાતળો” ગણાવ્યો હતો. લેબર બિલમાં સુધારો કરવામાં નિષ્ફળ ગયું હતું. બે ટોરી સાંસદ ઓવેન પેટરસન અને સર જોન રેડવુડે બળવો કર્યો હતો.
બ્રેક્ઝિટ લોકમતના મતદાનના સાડા ચાર વર્ષ પછી આ સોદો થયો છે, પરંતુ તેના માટે જે ઝડપ કરવામાં આવી છે તેનાથી સાંસદો અને સાથીદારો ચિંતા કરી રહ્યા છે કે આ બિલની યોગ્ય તપાસ કરવામાં આવી નથી. સિક્યુરીટી સુરક્ષા ડેટાબેઝમાં એક્સેસ, યુકેના પાણીમાં માછીમારીના અધિકાર, જિબ્રાલ્ટર અને નોર્ધન આયર્લેન્ડ સાથેના સરહદના પ્રશ્નો છોડી દીધા છે.
વડા પ્રધાને કોમન્સમાં ચર્ચા કરતાં જણાવ્યું હતું કે ‘’આ સોદો યુરોપિયન યુનિયન સાથે યુકેના સંબંધને નવી વ્યાખ્યા આપશે. અમે રોગચાળો હોવા છતાં એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં આ ડીલ કરી દીધું છે.
આ ડીલમાં કામદારોના અધિકારો અને પર્યાવરણીય ધોરણો માટે વધારાના રક્ષણ અને વ્યવસાયની સજ્જતા માટેના સમર્થનનો સમાવેશ કરવામાં આવશે. આ પૂર્વે જોન્સને સંસદીય પક્ષમાંથી 21 મધ્યસ્થીઓને હાંકી કાઢ્યા હતા.
બ્રસેલ્સમાં આ દસ્તાવેજ પર યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલે સહી કર્યા બાદ આરએએફના વિમાન દ્વારા આ સંધિના પેપર્સ લંડન લવાયા હતા. ત્યારબાદ ડાઉનિંગ સ્ટ્રીટમાં બોરિસ જોન્સન દ્વારા સહી કરવામાં આવી હતી.