EUમાંથી બ્રેક્ઝીટ કરાર પર યુકેની વાટાઘાટોનું નેતૃત્વ કરનાર અને નોર્ધર્ન આયર્લૅન્ડ પ્રોટોકોલ પર વાટાઘાટો કરનાર બ્રેક્ઝિટ મિનિસ્ટર લોર્ડ ડેવિડ ફ્રોસ્ટે શનિવાર તા. 18ના રોજ કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટના વધારાને કારણે લાદવામાં આવનાર લોકડાઉન પ્રતિબંધોના વિરોધ વચ્ચે રાજીનામું આપ્યું છે.
રાજીનામાના પત્રમાં તેમણે જણાવ્યું હતું કે ‘’નવા વર્ષમાં પદ છોડવાની યોજના માટે તેમની વચ્ચે પહેલાથી જ સંમતી સધાઇ હતી. પરંતુ ‘મેઈલ ઓન સન્ડે’માં તે લિક થયા બાદ મને લાગે છે કે તાત્કાલિક અસરથી પદ છોડવાનું લખવું મારા માટે યોગ્ય છે.”
લોકડાઉન નિયંત્રણો સામેના તેમના વિરોધ અંગે પત્રમાં જણાવ્યું હતું કે ‘’જુલાઇમાં, નોંધપાત્ર વિરોધ સામે, દેશને ફરીથી ખોલવાનો બહાદુર નિર્ણય લીધો હતો પરંતુ દુર્ભાગ્યે તે ઉલટાવી શકાય તેવું સાબિત થયું નથી.’’
આ અઠવાડિયે સંસદમાં સરકારના કોવિડ પ્લાન બી સામે લગભગ 100 સંસદસભ્યોએ બળવો કર્યો હતો અને તેમનું રાજીનામું ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બોરિસ જૉન્સનના નેતૃત્વ સામે એક વધુ વિરોધનો ઉમેરો કરે છે. ઓમિક્રોનના વ્યાપને પહોંચી વળવાના પ્રયાસમાં નિયંત્રણોને વધુ કડક બનાવવાના પ્લાન Cની અટકળો પણ વધી રહી છે.
લેબરના ડેપ્યુટી લીડર, એન્જેલા રેનરે જણાવ્યું હતું કે ‘’તાજેતરના મિનિસ્ટરના રાજીનામાએ સૂચવ્યું હતું કે સરકાર અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે અને સરકાર સંપૂર્ણ અરાજકતામાં છે”. ફ્રોસ્ટને જવાબ આપતા, જૉન્સને બ્રેક્ઝિટ કરાવવાના તેમના પ્રયત્નોની પ્રશંસા કરી દેશ પ્રત્યેની તમારી ઐતિહાસિક સેવા પર ખૂબ ગર્વ હોવો જોઈએ તેમ જણાવ્યું હતું.