બ્રસેલ્સ તરફથી કાયદાકીય પગલાની ધમકી અને શાસક કન્ઝર્વેટીવ પાર્ટીમાં અશાંતિ હોવા છતાં હાઉસ ઑફ કૉમન્સે મંગળવારે તા. 29વા રોજ મિનીસ્ટર્સ યુરોપિયન યુનિયન સાથેના યુકેના ડાયવોર્સ ડીલને તોડી શકે તેવા કાયદાને માન્યતા આપી હતી..
યુકેનું ઇન્ટરનલ માર્કેટ બિલને 340 મત અને વિરૂધ્ધમાં 256 મત મળ્યા હતા. હવે તેને હાઉસ ઑફ લોર્ડ્સને ચર્ચા માટે મોકલવામાં આવશે. આ બિલ બ્રેક્ઝિટનો ટ્રાન્ઝીશન પીરીયડ પૂરો થાય ત્યારે બ્રિટનના ચાર રાજ્યો વચ્ચેના મુક્ત વેપારને સુરક્ષિત રાખવા માંગે છે.
વડા પ્રધાન બોરિસ જ્હોનસનની પાર્ટીમાં હોબાળો થયા પછી, ત્રણ પૂર્વ કન્ઝર્વેટિવ વડા પ્રધાને પણ ટીકા કરી હતી. સરકારનું કહેવું છે કે જાન્યુઆરીમાં જ્હોન્સન દ્વારા સહી કરાયેલા વિથડ્રોઅલ બિલને ઓવરરાઇડ કરતી બિલની કલમો, નોર્ધન આયર્લેન્ડ સાથેના મુક્ત વેપારને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે અને ઇયુ સાથે સરહદ અંગેના સમાધાન પરની વાતચીત નિષ્ફળ થાય તો જ તેનો ઉપયોગ કરવામાં આવશે.
સંસદના ઉપલા ગૃહ હાઉસ ઑફ લોર્ડ્સમાં બિલની ચકાસણી ડિસેમ્બરના પ્રારંભ સુધી લંબાય તેવી સંભાવના છે, જ્યાં જ્હોન્સનને બહુમત નથી અને ત્યાં સૌથી વધુ વિવાદાસ્પદ કલમોમાં કરવામાં આવેલા સુધારાને મજબૂત ટેકો મળે તેવી સંભાવના છે. પરંતુ ઇયુ સાથેની વાટાઘાટો વધુ ઝડપથી આગળ વધવાની અપેક્ષા છે, અને જો આઇરિશ સરહદ બાબતે સમાધાન પર કોઈ સોદો થશે તો આ સત્તાઓની જરૂર નહીં પડે.
જો ત્યાં કોઈ સોદો નહિં થાય, તો લોર્ડ્સ દ્વારા કરવામાં આવેલા કોઈપણ ફેરફારોને કોમન્સની મંજૂરીની જરૂર રહેશે.