યુકેનું સૌથા મોટા સ્વતંત્ર એગ્રીગેટ્સ ગ્રુપ બ્રીડને અમેરિકાના કન્સ્ટ્રક્શન મટિરિયલ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ અમેરિકાના મિઝોરીના સેન્ટ લુઈસ ખાતેની BMCને $300 મિલિયનના સોદામાં હસ્તગત કરવાની સમજૂતી કરી છે. આ સોદો મોટાભાગે રોકડમાં કરાયો છે. જોકે આ ડીલ હેઠળ 1960ના દાયકાથી BMCનું સંચાલન કરતા વેચાણકર્તા પરિવારને બ્રીડનના $15 મિલિયન શેરની ફાળવણી કરાશે. અમેરિકામાં બાઇડન પ્રેરિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તેજી વચ્ચે આ સોદો કરાયો છે.
બ્રીડનના ચીફ એક્ઝિક્યુટિવ રોબ વૂડે જણાવ્યું હતું કે અમેરિકામાં પ્રથમ વખત વિસ્તરણ કરવા માટે અમે જે સોદાની વાત કરતા હતાં તે આ ગોલ્ડીલોક્સ ટ્રાન્ઝેક્શન છે. આ યોગ્ય મેનેજમેન્ટ ટીમ સાથે યોગ્ય મૂલ્ય પર યોગ્ય સોદો છે. બ્રીડન અમેરિકામાં વધુ ડીલની વિચારણા કરશે અને મિડવેસ્ટની શક્યતાઓ વિશે ઉત્સાહિત છે. આ પ્રદેશમાં નોંધપાત્ર માઇગ્રેશન છે તથા રહેણાંક બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણની જરૂરિયાત છે.
એવું માનવામાં આવે છે કે વેચાણકર્તા મેકકીન પરિવાર પાસે બિઝનેસ વારસામાં આપવા માટે વારસદાર નથી. આ પરિવાર પાસે બિઝનેસના વિસ્તરણ માટે ફંડ પણ નથી. તેનાથી BMCનું મેનેજમેન્ટ બ્રીડનના આયોજિત યુએસ વિસ્તરણમાં મદદ કરવાનું ચાલુ રાખશે.
આ એક્વિઝિશનથી બ્રીડનની આવકમાં 10 ટકા અને ઓપરેટિંગ પ્રોફિટમાં 18 ટકા વધારો થવાનો અંદાજ છે. આ ડીલ તથા ધારણા કરતાં વધુ સારા વાર્ષિક નાણાકીય પરિણામને પગલે બ્રીડનનો શેર આશરે સાત ટકા ઉછળીને બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
યુકે કન્સ્ટ્રક્શન માર્કેટમાં નરમાઈ હોવા છતાં બીડની આવક સાત ટકા વધીને 1.48 બિલિયન પાઉન્ડ થઈ હતી. ટેક્સ પહેલાનો નફો નજીવો ઘટી 134 મિલિયન પાઉન્ડ થયો હતો, જોકે તે એનાલિસ્ટ્સની ધારણા કરતા સારો છે