Brazilian Football Wizard Pele Passes Away
REUTERS/Paulo Whitaker/File Photo

બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે 30 ડિસેમ્બરે નિધન થયું હતું. પેલેની ગણના દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફૂટબોલરોમાં થાય છે. 20મી સદીના મહાન ફૂટબોલર પેલેને કોલન કેન્સર હતું. તેઓ છેલ્લા થોડા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. પેલેના નિધનથી ફૂટબોલ જગત અને દુનિયાભરના તેમના ફેન્સમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પેલેની પુત્રી કેલી નેસિમેન્ટોએ ઈન્સ્ટાગ્રામ પર પિતાના અવસાનની જાણકારી આપતાં લખ્યું હતું કે “આજે અમે જે કંઈપણ છીએ તે તમારા કારણે છીએ. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. તમારા આત્માને શાંતિ મળે.” 2021માં પેલેને ટ્યૂમર હોવાની જાણકારી મળી હતી અને ત્યારથી જ તેઓ કીમોથેરપી લઈ રહ્યા હતા.

ફૂટબોલ ખેલાડી તરીકે પેલેએ ખૂબ નાની વયે કરિયરની શરૂઆત કરી હતી. 15 વર્ષની વયે તેઓ સાંતોસ તરફથી ફૂટબોલ રમ્યા હતા અને 16ની ઉંમર બ્રાઝિલની નેશનલ ટીમમાં સ્થાન મળ્યું હતું. તેમણે પોતાના કરિયરમાં 1,366 મેચમાં કુલ 1,281 ગોલ માર્યા હતા. તેઓ દુનિયાના એકમાત્ર ફૂટબોલ પ્લેયર હતા જેમણે 3 વખત ફીફા વર્લ્ડ કપ જીત્યો હતો. 23 ઓક્ટોબર 1940ના રોજ જન્મેલા પેલેનું અસલી નામ એડસન અરાંતેસ ડો નૈસિમેન્ટો હતું. ફીફાએ તેમને ‘ધ ગ્રેટેસ્ટ’નું બિરુદ પણ આપ્યું છે.

થોડા દિવસ પહેલા જ ફીફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાનો વિજય થયો ત્યારે પેલેએ ટીમના કેપ્ટન લિયોનલ મેસીને જીતની શુભેચ્છા આપી હતી. લિયોનલ મેસીએ ઈન્સ્ટાગ્રામ પર પેલે સાથેની તસવીરો શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. મેસીએ સ્પેનિશ ભાષામાં લખ્યું, “તમારા આત્માને શાંતિ મળે.”

બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે લખ્યું, “પેલે પહેલા ફૂટબોલ માત્ર એક રમત હતી. પેલેએ દરેક બાબતને બદલી છે. તેમણે ફૂટબોલને કળામાં અને મનોરંજનમાં રૂપાંતરિત કરી. તેમણે ગરીબોને અવાજ આપ્યો. બ્લેક લોકો માટે મિસાલ બન્યા. ખાસ કરીને તેમણે બ્રાઝિલને ઓળખ અપાવી. તેઓ જતા રહ્યા પરંતુ તેમનો જાદુ આજે પણ અકબંધ છે.”

LEAVE A REPLY