ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોકેટે (ઇડી) બ્રાઝિલની અપીલને પગલે અમે કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓ અને કંપનીઓના 67 બેંક ખાતા સ્થગિત કરી દીધા છે. ઇડીએ દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું કે બ્રાઝીલમાં નાણાની ઉચાપત કરવા બદલ પ્રાંતીય ગવર્નરની તપાસ ચાલી રહી છે. ઇડીએ દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું છે કે તેણે ભારત અને બ્રાઝીલ વચ્ચે થયેલી પરસ્પરની સમજૂતીને આધારે આ કાર્યવાહી કરી છે અને તેણે આ બાબતમાં કોઇ કેસ દાખલ કર્યો નથી.
હેમિલટન હાઉસવેર્સ કંપની વતી દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન ઇડીએ આ માહિતી દિલ્હી હાઇકોર્ટને આપી હતી. ગયા મહિને ઇડીએ હેમિલટન હાઉસવેર્સ સહિત કેટલીક કંપનીઓ અને ઉદ્યોગપતિઓના બેંક ખાતાઓ સ્થગિત કર્યા હતાં.હેમિલટન હાઉસવેર્સ પ્રાઇવેટ લિમિટેડ મિલ્ટન બ્રાન્ડ નામ હેઠળ પ્લાસ્ટિક, થર્મો સ્ટીલ, થર્મોવેર, સિરામિક વેર અને ગ્લાસવેરનો બિઝનેસ કરે છે. ઇડીએ 13 જુલાઇના રોજ આ કંપનીના બેંક ખાતાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. આ આ આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે એજન્સી મંજૂરી વગર ખાતામાંથી રકમ ઉપાડી શકાશે નહીં.
કંપની વતી હાજર રહેલા વકીલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે ઇડીની કાર્યવાહીને કારણે કંપનીનો બિઝનેસ ઠપ થઇ ગયો છે. વકીલે વધુમાં જણાવ્યું હતું કે ક્યા અપરાધ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે તેની જાણ ઇડીએ કંપનીએ કરી નથી આ ઉપરાંત આ સંદર્ભમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે કે નહીં તેની પણ જાણ કરવામાં આવી નથી.
બ્રાઝીલ સરકારને શંકા છે કે તેના પ્રાંતીય ગવર્નરે કેટલીક ભારતીય કંપનીઓ અને ઉદ્યોગપતિના બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા છે.
આ શંકાને આધારે બ્રાઝીલ સરકારે ભારતને 67 બેૅંક ખાતા સ્થગિત કરવાની અપીલ કરી હતી. જે કંપનીઓના બેંક ખાતા સ્થગિત કરવામાં આવ્યા છે તેમાં હેમિલટન હાઉસવેર્સ ઉપરાંત જેકે ટાયર, કેપી સંઘવી એન્ડ સન્સ, નેન્સી ક્રાફ્ટ પ્રાઇવેટ લિમિટેડ, ભારત ફેશન એન્ડ એપરલ્સ, ઇસ્ટર્ન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઓર્બિટ એક્સપોર્ટ લિમિટેડ, શ્રેનુજ એન્ડ કંપની અને આરએસડબ્લ્યુએમ લિમિટેડનો સમાવેશ થાય છે.
