બ્રાઝિલના એમ્બેસેડર કેનેથ એચ. દા નોબ્રેગાએ તાજેતરમાં ગાંધીનગરની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે રાજભવનમાં ગવર્નર આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ સૌજન્ય મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત સાથે ઓટો પાર્ટ્સ, એનર્જી અને એગ્રીકલ્ચર સેક્ટરમાં સહયોગ સાધીને આગળ વધવાની તત્પરતા દર્શાવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ઓટો હબ તરીકે ખ્યાતિ પામેલું રાજ્ય છે તે સંદર્ભમાં બ્રાઝિલના ઉદ્યોગકારો ગુજરાતમાં ઓટો પાર્ટ્સ ક્ષેત્રે રોકાણ માટે આવી શકે છે. એમ્બેસેડર કેનેથ એચ. દા નોબ્રેગાએ બેઠકની ચર્ચાઓમાં કહ્યું કે, બાયો ફ્યુઅલ ટેકનોલોજી તેમજ બાયોગેસ ક્ષેત્રમાં બ્રાઝિલ પાસે જે વિશેષતા છે તેને યોગ્ય પાર્ટનર મળે અને આ ક્ષેત્રોમાં પણ સહભાગીતાથી આગળ વધવાની તેમની ઉત્સુકતા છે. બ્રાઝિલમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર ઉપરાંત આઇ.ટી અને એનર્જી સેક્ટરમાં પણ ભારત અને ગુજરાતની કેટલીક કંપનીઝ કાર્યરત છે.