યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન અને ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી વચ્ચે લંડનમાં મંગળવાર, 2 નવેમ્બરે યોજાયેલી બેઠકમાં માઇગ્રેશન અને સુરક્ષાના મુદ્દાઓ પર સહકાર સાધવા અંગે ચર્ચાવિચારણા થઈ હતી.
આ બેઠકમાં ભારતીય રાજદૂતે ભારત-યુકે સુરક્ષા ભાગીદારી અંગે ચર્ચા કરવા તથા ભારત-યુકે માઇગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ (એમએમપી) હેઠળ “પ્રગતિ” સાધવા ભારતીય મૂળના કેબિનેટ પ્રધાનને હાકલ કરી હતી.
આ બેઠક ગયા મહિને બ્રેવરમેનની વિવાદાસ્પદ ટિપ્પણી પછી યોજાઈ હતી. આ ટીપ્પણીમાં બ્રેવરમેને જણાવ્યું હતું કે એમએમપી ભારતથી ગેરકાયદે ઇમિગ્રેશન અને વિઝા ઓવરસ્ટેઅર્સના મુદ્દાના ઉકેલની દિશામાં બહુ સારી રીતે કામ કરી રહી નથી.
લંડનમાં ભારતીય હાઈકમિશને બેઠક બાદ ટ્વીટ કર્યું હતું કે, “હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને ભારત-યુકે સુરક્ષા સહકાર પર ચર્ચા કરવા તથા ભારત-યુકે માઇગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ હેઠળ પ્રગતિ કરવા માટે અનુરોધ કર્યો હતો.”
બીજી તરફ બ્રેવરમેને ભારત અને યુકે વચ્ચે સહિયારી “મજબૂત ભાગીદારી”નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે “હું સુરક્ષા અને માઇગ્રેશન સહિત પરસ્પર સહિયારા હિતો પર અમારા મિત્રો સાથે કામ કરવા આતુર છું.”
અગાઉ ગેરકાયદે માઇગ્રેશન અંગે ભારત સરકાર સાથેની સમજૂતી “ખૂબ સારી રીતે કામ કરતી હોય તેવું જરૂરી નથી” તેવા હોમ સેક્રેટરીના આક્ષેપોનો ઇન્ડિયન મિશને વળતો જવાબ આપ્યો હતો. તેથી આ બેઠક સમાધાનકારી પગલાં તરીકે જોવામાં આવે છે.
ભારતીય હાઈ કમિશને ગયા મહિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે “હોમ ઓફિસ સાથે શેર કરવામાં આવેલા ડેટા મુજબ હાઈ કમિશનને રીફર કરાયેલા તમામ કેસો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વધુમાં યુકેએ માઇગ્રેશન એન્ડ મોબિલિટી પ્રોટોકોલના ભાગરૂપે કેટલીક પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવાની પણ શરૂઆત કરી છે, અમે દેખિતી પ્રગતિની રાહ જોઈ રહ્યા છીએ.”
એવું મનાય છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન લિઝ ટ્રસની આગેવાની હેઠળના પ્રધાનમંડળમાં પણ હોમ સેક્રેટરી રહેલા બ્રેવરમેને ખુલ્લી સરહદો અંગે ટીપ્પણી કરીને ભારત-યુકે મુક્ત વેપાર કરાર (એફટીએ)ની વાટાઘાટોને ખોરવી નાંખી હતી.