લોકસભાની ચૂંટણી પહેલા રવિવારે યોજાયેલી મોદી કેબિનેટની મેરેથોન બેઠકમાં વિકસિત ભારત: 2047 માટેના વિઝન ડોક્યુમેન્ટ અને આગામી પાંચ વર્ષ માટેની વિગતવાર કાર્યયોજના પર વિચારવિમર્શ કરાયો હતો. ચૂંટણી પહેલા મોદી સરકારના બીજા કાર્યકાળની આ છેલ્લી કેબિનેટ બની રહે તેવી શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મે મહિનામાં નવી સરકારની રચના થયા પછી તાત્કાલિક પગલાં લેવા માટે 100-દિવસના એજન્ડા ચર્ચા કરાઈ હતી. મોદીએ તેમના મંત્રીમંડળના સાથીદારોને ચૂંટણી દરમિયાન લોકોનું સમર્થન જીતવા માટે તમામ પ્રયાસો કરવાની સૂચના આપી હતી તથા વિકાસને વેગ આપવા અને સમાજના તમામ વર્ગોના કલ્યાણની ખાતરી કરવા માટે તેમની સરકારે લીધેલા અસંખ્ય પગલાં વિશે વાત કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિકસિત ભારત માટેનો રોડમેપ બે વર્ષથી વધુ સમયની સઘન તૈયારીનું પરિણામ છે અને તેમાં તમામ મંત્રાલયોને સામેલ કરતાં “સમગ્ર સરકાર” અભિગમનો સમાવેશ થાય છે. તે માટે રાજ્ય સરકારો, શિક્ષણવિદો, ઉદ્યોગ સંસ્થાઓ, સમાજ, વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે વ્યાપક પરામર્શ કરાયો છે. વિવિધ સ્તરે 2,700થી વધુ બેઠકો, વર્કશોપ અને સેમિનાર યોજાયા હતા. 20 લાખથી વધુ યુવાનોના સૂચનો મળ્યા હતાં