બે દાયકાથી સગીર વયની બાળકીઓના દુર્વ્યવહાર પર નજર રાખતા એક નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બ્રેડફર્ડમાં કેટલીક બાળાઓ જાતીય શોષણથી હજુ પણ “અસુરક્ષિત રહે છે”. 2001થી બ્રેડફર્ડ ડિસ્ટ્રીક્ટના પાંચ કેસોની સ્વતંત્ર સમીક્ષામાં જાણવા મળ્યું છે કે “જે બાળકો દુર્વ્યવહારનો ભોગ બન્યા હતા તે જોતાં કોઈ પણ બાળકને આવો અનુભવ થવો ન જોઇએ”.
નરાધમ વાસનાલોલુપ યુવાનોનો ભોગ બનેલી ફિયોના ગોડ્ડાર્ડે કહ્યું હતું કે કાઉન્સિલ અને પોલીસને પ્રારંભીક તબક્કે આ રોકવાની તક મળી હતી પરંતુ તેમણે “ક્યારેય તેમ કર્યું નહતું.” કાઉન્સિલની સંભાળમાં રહેતી છોકરીઓનાં જાતીય શોષણ મામલે નવ પુરૂષોને જેલમાં ધકેલી દેવાયા બાદ આ સમીક્ષાને આદેશ આપવામાં આવ્યો હતો.
સમીક્ષાના લેખક ક્લેર હાઇડે જણાવ્યું હતું કે ‘’આ લખવું મુશ્કેલ અને વાંચનને દુ:ખદાયક બનાવે છે. જે રીતે બાળકોને દુર્વ્યવહારનો ભોગ બનવું પડ્યું, તે જોતાં કોઈ પણ બાળકને આવો અનુભવ ન થવો જોઇએ. તે બાળકો મોટાભાગના કિસ્સાઓમાં જાતીય શોષણ પહેલા ઘણા આઘાત અને દુરૂપયોગને સહન કરી ચૂક્યા હતા.”
અહેવાલમાં નોંધ્યું છે કે બાળ જાતીય શોષણ (સીએસઈ) ના સંબંધમાં નોંધપાત્ર કાર્ય કરવામાં આવ્યું હોવા છતાં, હજી પણ પાઠ શીખવા જરૂરી છે અને કેટલાક પીડિતોને મળેલો પ્રતિસાદ હજી સુધી પૂરતો નથી. સીએસઈના તાજેતરના કેસોને સમજવામાં અને તેના જવાબમાં “નોંધપાત્ર સુધારા” હોવા છતાં, કેટલાક બાળકો “અસુરક્ષિત રહે છે જ્યારે કેટલાક ગુનેગારો અજાણ્યા અને યથાવત છે”.
2008થી પુરૂષોની ગેંગ દ્વારા જાતીય શોષણનો ભોગ બનેલી અને લોકોમાં જાગૃતી આવે તે માટે પોતાનું નામ જાહેર ન કરવાના કાયદેસરના અધિકારને છોડી દેનાર 27 વર્ષીય ફિયોનાએ જણાવ્યું હતું કે ‘’સોશ્યલ સર્વિસ અને પોલીસ ઘણી વખત નિષ્ફળ ગઈ હતી. મેં તેમને ઘણી વાર શારીરિક શોષણ, જાતીય શોષણ અથવા બળાત્કારની જાણ કરી હતી પણ તેને કદી ગણકારવામાં આવ્યું ન હતું. કેર હોમમાં રહેતી મોટાભાગની છોકરીઓ બાળ જાતીય શોષણનો ભોગ બને છે. મને બચાવવાની તેમની પાસે તક હતી પરંતુ તેમણે ક્યારેય તેમ કર્યું નહતું.’’
આ અહેવાલમાં જણાવાયું છે કે ‘’એન્ના તરીકે ઓળખાવાયેલી અન્ય પીડિતાને સોસ્યલ વર્કર્સ દ્વારા ભલામણ કરાયેલ એક દંપત્તીને ત્યાં મૂકવામાં આવી હતી. જેના પુત્રએ જે તેનું જાતીય શોષણ કર્યું હતું અને એન્ના 15 વર્ષની ઉંમરે ગર્ભવતી થઈ હતી. તેણીનું શોષણ કરનાર સાથે જ તેના ઇસ્લામિક વિધિ મુજબ લગ્ન કરાયા હતા અને અધિકારીઓએ તે માટે મંજૂરી પણ આપી હતી. તેણી પુખ્ત વયના લોકોની ‘કેર’માં હતી ત્યારે તેણીનું વધુ જાતીય શોષણ, ઘરેલુ દુર્વ્યવહાર, હુમલો અને બળજબરી તેમજ ઘરેલું ગુલામી કરાવાઇ હતી. એજન્સીઓએ તેના દુરૂપયોગની અવગણના કરી હતી જેને કારણે તેનું બાળપણ નાશ પામ્યું હતું.’’
બંને પીડિતાએ જણાવ્યું હતું કે નવીનતમ સમીક્ષા આગળ વધી ન હતી અને પ્રોફેસર એલેક્સીસ જય દ્વારા રોધરહામની જેમ સ્વતંત્ર તપાસ માટે હાકલ કરી હતી.
બ્રેડફર્ડ કાઉન્સિલ, વેસ્ટ યોર્કશાયર પોલીસના બ્રેડફર્ડ ડિસ્ટ્રિક્ટ કમાન્ડર અને બ્રેડફર્ડ ડિસ્ટ્રિક્ટ અને ક્રેવેન ક્લિનિકલ કમિશનિંગ ગ્રૂપની બનેલી બ્રેડફર્ડ પાર્ટનરશિપે સમીક્ષાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે “આ ક્ષેત્રે વધુ કાર્ય કરવાની જરૂરિયાતોને પૂર્ણપણે સ્વીકારીએ છીએ. અમે આ અહેવાલમાં ઓળખાયેલા યુવાનોની માફી માંગીએ માંગીએ છીએ. અને અમે તેમને શોષણમાંથી બચાવવામાં નિષ્ફળ ગયા હતા. આ ગુનાઓ સહન કરી શકાય નહિં. અમારા ડિસ્ટ્રીક્ટના તમામ ભાગીદારો આપણાં બાળકોને બચાવવા અને ગુનેગારોને સજા અપાવવા માટે પોલીસ સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.”
રોશડેલ ગૃમીંગ ગેંગ કેસોના પૂર્વ ચિફ ક્રાઉન પ્રોસીક્યુટર નઝીર અફઝલે જણાવ્યું હતું કે ‘’નવા અહેવાલના તારણો હતાશાજનક પરંતુ આશ્ચર્યજનક છે”.
2019 માં, નવ પુરૂષો છ અઠવાડિયાથી વધુ ચાલેલા ટ્રાયલ પછી બળાત્કાર અને બાળ વેશ્યાવૃત્તિને ભડકાવવા સહિતના ગુનામાં દોષીત સાબિત થયા હતા. આ ગૃમીંગ અને દુર્વ્યવહાર 2008માં શરૂ થયું હતું અને ત્યારે આ યુવતીઓ 14 વર્ષની હતી અને બ્રેડફર્ડમાં ચિલ્ડ્રન હોમમાં રહેતી હતી.