વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધામાં ગયા સપ્તાહે 17 વર્ષનો ઈન્ડિયન અમેરિકન કિશોર સમીર બેનરજી બોયઝ ચેમ્પિયન બન્યો હતો. તેણે ફાઈનલમાં અમેરિકાના જ વિક્ટર લિલોવને સીધા સેટ્સમાં 7-5, 6-3થી હરાવ્યો હતો. એક કલાક 22 મિનિટના મુકાબલામાં હાલમાં વિશ્વના 19મા ક્રમાંકિત સમીરે આ સફળતા મેળવી હતી.
ગયા મહિને જ યોજાઈ ગયેલી ફ્રેન્ચ ઓપનમાં સમીર પહેલા જ રાઉન્ડમાં હારી ગયો હતો. છેલ્લે કોઈ ભારતીય ખેલાડીને જુનિયર સિંગલ્સનું ગ્રાંડ સ્લેમ ટાઈટલ મળ્યાનો પ્રસંગ 2009માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં હતો, જેમાં યુકી ભામ્બ્રીએ ટાઈટલ મેળવ્યું હતું. લીએન્ડર પેસ, રમેશ ક્રિષ્નન તથા રામનાથન ક્રિષ્નને પણ જુનિયર કે બોયઝ ચેમ્પિયન બનીને શરૂઆત કરી હતી.
સાનિયા – રોહન ત્રીજા રાઉન્ડમાં ફેંકાઈ ગયા
વિમ્બલ્ડનમાં મિક્સ્ડ ડબલ્સમાં સાનિયા મિર્ઝા તથા રોહન બોપન્નાની જોડી ત્રીજા રાઉન્ડમાં હારી જતાં બહાર થઈ ગઈ હતી. જીન જુલિયન-રોજર તથા આંદ્રેજા ક્લેપેકનો તેમની સામે 6-3, 3-6, 11-9થી વિજય થયો હતો.
મહિલા ડબલ્સમાં સાનિયાનો બીજા રાઉન્ડમાં જ પરાજય
મહિલા ડબલ્સ માટે સાનિયા મિર્ઝાએ અમેરિકાની બેથાની મટેક- સેન્ડ્સ સાથે રમતા બીજા રાઉન્ડમાં જ રશિયાની એલિના વેસ્નિના – વેરોનિકા કુદેરમેટોવાની જોડીએ તેમને સીધા સેટ્સમાં 6-4, 6-3થી હરાવ્યા હતા.