લોકસભા ચૂંટણીના અઠવાડિયા પહેલા કોંગ્રેસને બુધવારે વધુ એક ફટકો પડ્યો હતો. બોક્સર વિજેન્દર સિંહ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. ઓલિમ્પિક વિજેતા 2019માં કોંગ્રેસમાં જોડાયા હતાં અને દક્ષિણ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના રમેશ બિધુરી સામે હાર્યા હતાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસે 38 વર્ષીય બોક્સરને યુપીની મથુરા બેઠક પરથી બીજેપી સાંસદ હેમા માલિની સામે મેદાનમાં ઉતારવાની યોજના બનાવી હતી. વિજેન્દ્રના આગમનથી ભાજપને જાટ સમુદાયના મતો એકત્ર કરવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે. હરિયાણા અને પશ્ચિમ યુપીમાં જાટ મતાદાતા મહત્વપૂર્ણ ગણાય છે. વિજેન્દ્ર સિંહ આ બે વિસ્તારોમાં ભાજપ માટે વ્યાપક પ્રચાર કરશે તેવી અપેક્ષા છે. હરિયાણાના ઓલિમ્પિયન બોક્સર વિજેન્દર સિંહે પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. સાથે જ વિજેન્દર સિંહે પણ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું હતું.
વિજેન્દ્ર સિંહ 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં ઓલિમ્પિક મેડલ (બ્રોન્ઝ) જીતનાર પ્રથમ ભારતીય બોક્સર હતા. તેને 2006 અને 2014 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યા હતા.