ડૉ અનીશા પટેલ સમજાવે છે કે આંતરડાનું કેન્સર એટલે કે બાઉલ કેન્સર એ કેન્સરનો ચોથો સૌથી સામાન્ય પ્રકાર છે, અને યુકેનો બીજો સૌથી મોટો કેન્સર કિલર હોવા છતાં, ઘણા લોકો તેમની આંતરડાની આદતો વિશે વાત કરવામાં અસ્વસ્થતા અનુભવે છે.
“હું બે બાળકોની માતા છું અને સરેની એક જીપી છું, તેથી 39 વર્ષની ઉંમરે સ્ટેજ 3 આંતરડાના કેન્સરનું નિદાન થવું એ ખરેખર આઘાતજનક હતું.
“હું ફિટ અને સ્વસ્થ છું, મારી પાસે કેન્સરનો પારિવારિક ઇતિહાસ નથી અને મારી પાસે કોઈ જોખમી પરિબળો નથી. પરંતુ હું અન્ય લોકોને આંતરડાના કેન્સરના લક્ષણો ઓળખવામાં મદદ કરવા માટે મારી વાર્તા શેર કરી રહી છું – જેથી તેઓ જલ્દીથી મદદ મેળવી શકે.
આંતરડાનું કેન્સર શું છે?
મોટુ આંતરડુ એ આપણા પાચન તંત્રનો એક ભાગ છે જે આપણા ખોરાકમાંથી પાણીને શોષવામાં મદદ કરે છે, તેમજ આપણા શરીરમાંથી ખોરાકનો કચરો દૂર કરે છે. આંતરડાનું કેન્સર કોલોન અને ગુદામાર્ગ સહિત મોટા આંતરડાના કોઈપણ ભાગને અસર કરી શકે છે.
વ્યક્તિને આંતરડાનું કેન્સર કેમ થાય છે તે હંમેશા સ્પષ્ટ હોતું નથી, પરંતુ આનુવંશિક ફેરફારો, પર્યાવરણ અને જીવનશૈલીના પરિબળો તેમાં ભાગ ભજવી શકે છે.
ડૉ. પટેલ આપણને કહે છે કે: “જો તમારું વજન વધારે હોય, ધૂમ્રપાન કરતા હો અથવા કોઈ નજીકના સંબંધીને તે થયું હોય તો તમને આંતરડાનું કેન્સર થવાની શક્યતા વધી શકે છે. જે લોકોને આંતરડાની બળતરાની બિમારી હોય (જેમ કે ક્રોહન રોગ અથવા અલ્સેરેટિવ કોલાઇટિસ) અથવા આંતરડાના પોલિપ્સ હોય તેઓ પણ વધુ જોખમમાં હોઈ શકે છે.”
દર વર્ષે, યુકેમાં આંતરડાના કેન્સરના 42,900 નવા કેસોનું નિદાન થાય છે, જેમાંના 2,600 લોકો તો 50 વર્ષથી ઓછી ઉંમરના હોય છે. તેણી ઉમેરે છે કે “ભલે 90 ટકા કેસો 50 વર્ષથી વધુ ઉંમરના લોકોના હોય, પણ હું જાણું છું કે તે કોઈને પણ અસર કરી શકે છે. કોઈપણ ઉંમરના લોકોને તે થઇ શકે છે.”
શું હું તેને રોકી શકું?
આંતરડાનું કેન્સર અટકાવી શકાય તેવું નથી, તેમ છતાં, તંદુરસ્ત જીવનશૈલી જીવવાથી આંતરડાનું કેન્સર થવાનું જોખમ ઘટાડી શકાય છે. ડૉ. પટેલ સમજાવે છે કે “આ સરળ ટિપ્સને અનુસરવાથી ટાઈપ 2 ડાયાબિટીસ તેમજ આંતરડાના કેન્સર જેવી ઘણી પરિસ્થિતિઓમાંથી આપણું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે”
“પુષ્કળ ફળો, શાકભાજી અને ફાઇબર સાથે તંદુરસ્ત આહાર ખાવાની, લાલ અને પ્રોસેસ્ડ માંસ ઓછું ખાવાની અને નિયમિત કસરત સાથે સક્રિય રહેવાની ભલામણ કરવામાં આવે છે. તમે ધૂમ્રપાન છોડવા, તમારા આલ્કોહોલનું સેવન ઘટાડવા અને જો તમને જરૂર હોય તો વજન ઘટાડવા માટે પણ મદદ મેળવી શકો છો.” તમે www.nhs.uk/better-health પર જઇને વધુ શોધી શકો છો અને એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી શકો છો.
મારે કયા લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ?
જો આપણે જાણતા હોઇએ કે આંતરડાની આપણી સામાન્ય આદતો શું છે, ત્યારે કંઈક યોગ્ય ન લાગે તો આપણે તે શોધી શકીએ છીએ. ડૉ. પટેલ સમજાવે છે કે: “દરેક વ્યક્તિની આદતો સરખી હોતી નથી, તેથી આપણે આપણા શરીરને સાંભળવું જોઈએ. તમે કેટલા નિયમિત રીતે હાજતે જાઓ છો તેના પર નજર રાખો અને તમારા સ્ટૂલના આકાર અને સુસંગતતાની તપાસ કરો. તમે ફ્લશ કરો તે પહેલાં શૌચાલય અથવા ટીસ્યુઝમાં કોઈપણ લોહી છે કે નહિં તેનું ધ્યાન રાખો.”
નીચેના લક્ષણો માટે આપણે ધ્યાન આપવું જોઈએ:
- તમારા મળમાં ફેરફાર, જેમ કે નરમ મળ આવવો, ઝાડા અથવા કબજિયાત
- વધુ કે ઓછી વખત શૌચાલયમાં જવાની જરૂર પડે છે
- તમારા મળમાં લોહી, જે લાલ કે કાળું દેખાઈ શકે છે
- તમારા નીચેના ભાગેથી રક્તસ્ત્રાવ થવો
- ભલે તમે હમણાં જ ગયા હોવ પણ ઘણીવાર એવું લાગે કે તમારે શૌચાલય જવાની જરૂર છે
- પેટમાં દુખાવો અને/અથવા પેટનું ફૂલવું
- પ્રયાસ કર્યા વિના વજન ઘટવું
- કોઈ કારણ વગર ખૂબ થાક લાગે
“એક ડૉક્ટર તરીકે, કદાચ મેં મારા લક્ષણોને ઓછા માન્યા છે. શરૂઆતમાં મને પેટનું ફૂલવું, ખેંચાણ અને ક્યારેક શૌચાલયમાં જવાની તાકીદ અનુભવાતી હતી, જેને મેં ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) માન્યું હતું. મેં અવારનવાર ટોઇલેટ પેપર પર લોહી જોયુ, મને લાગતું હતું કે તે મને થોડા વર્ષો પહેલા થયેલા મસા (પાઇલ્સ)ને કારણે હોઈ શકે છે. હું ખૂબ જ થાકી ગઇ હતી, પરંતુ બે નાના બાળકોની માતા તરીકે, ઘર ચલાવવાની જવાબદારી અને જીપી તરીકે, મને તેમાં કશું અસામાન્ય લાગ્યું નહતું.
“પરંતુ મારા આંતરડાની હિલચાલ સહિત મારા લક્ષણો વધુ ખરાબ થતાં, હું આખરે મારા જીપીને મળવા ગઇ હતી. મારૂ સ્ટૂલ (મળ) પાતળુ અને રિબન જેવું થઈ ગયુ હતું કારણ કે ત્યાં એક ગાંઠ હતી જે તેને અવરોધતી હતી. તેથી સંકેતો હંમેશા સ્પષ્ટ ન હોઈ શકે. કેટલાક સ્કેન અને ટેસ્ટ પછી, મને નિષ્ણાત સારવાર માટે રીફર કરવામાં આવી અને મને આંતરડાનું કેન્સર હોવાનું નિદાન થયું.”
ડૉ. પટેલ લોકોને વિનંતી કરે છે કે જો તેઓ ચિંતા ઉપજાવે તેવા લક્ષણો ધરાવતા હોય તો તેમના ડૉક્ટર સાથે વાત કરવામાં શરમ ન અનુભવે. “જો તમને તમારી આંતરડાની હિલચાલ અથવા ચિંતાઓ વિશે વાત કરવામાં અસ્વસ્થતા અનુભવાતી હોય, તો કૃપા કરીને યાદ રાખો કે અમે શરીરના તમામ ભાગોની તપાસ કરવા માટે ટેવાયેલા છીએ અને હંમેશા આવી બાબતો વિશે સાંભળીએ છીએ.
“જો તમને એમ લાગે કે કંઈક યોગ્ય નથી લાગતું તો કૃપા કરીને અમને મળવા આવો. જો તમને ત્રણ અઠવાડિયા કે તેથી વધુ સમયથી લક્ષણો હોય તો તમારી GP પ્રેક્ટિસનો સંપર્ક કરવો ખાસ મહત્વપૂર્ણ છે. તે કેન્સર ન હોઈ શકે – પરંતુ તમારે જાણવાની જરૂર છે.
જો તમારો મળ કાળો કે ઘેરો લાલ હોય અથવા તમને લોહીવાળા ઝાડા થતા હોય, તો તમારી GP પ્રેક્ટિસ સાથે તાત્કાલિક એપોઇન્ટમેન્ટ બુક કરો અથવા NHS 111 પર મફતમાં કૉલ કરો. જો તમને તમારા નીચેના ભાગેથી નોન-સ્ટોપ લોહી વહેતું હોય અથવા શૌચાલયમાં ઘણું લોહી હોય (દા.ત. પાણી લાલ થઈ જાય અથવા તમને લોહીની મોટી ગાંઠો દેખાય), તો તમારે એક્સીડેન્ટ એન્ડ ઇમરજન્સી (A&E)માં જવું જોઈએ અથવા 999 પર કૉલ કરવો જોઈએ.
આંતરડાના કેન્સરની તપાસ શું છે?
ફેકલ ઇમ્યુનોકેમિકલ ટેસ્ટ (અથવા ટૂંકમાં ‘FIT કીટ’) તરીકે ઓળખાતી હોમ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરીને 60 થી 74 વર્ષની વયના પાત્ર લોકોને દર બે વર્ષે NHS દ્વારા આંતરડાના કેન્સર સ્ક્રીનીંગ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે. આ પ્રોગ્રામમાં હાલમાં 50-59 વર્ષની વયના લોકોનો પણ સમાવેશ કરવા માટે વિસ્તરણ કરાઇ રહ્યું છે, જેથી તમે 60 વર્ષના થાઓ તે પહેલાં તમે એક ટેસ્ટ મેળવી શકો છો.
તમે આ કીટનો ઘરે ઉપયોગ કરી શકો છો. જેમાં તમારા સ્ટૂલનો એક નાનો નમૂનો લઇ તેને ટ્યુબમાં મુકી NHSને પાછુ પોસ્ટ કરવાનું હોય છે. તે પછી લોહીના નાના નિશાનો માટે તેને ટેસ્ટ કરવામાં આવે છે, જે કેન્સરની સંભવિત નિશાની છે, જે નરી આંખે દેખાતું નથી. મળમાં લોહીની હાજરીનો અર્થ એ નથી કે તમને આંતરડાનું કેન્સર છે, પરંતુ સામાન્ય રીતે કોલોનોસ્કોપી જેવા વધુ ટેસ્ટની સલાહ આપવામાં આવે છે.
ડૉ. પટેલ કહે છે: “જો તમને અથવા તમારા પરિવારમાં કોઈના માટે ઘરે આવી ટેસ્ટ કીટ આવે, તો હું તમને વિનંતી કરું છું – તેને અવગણો નહિ. તે માત્ર એક ક્ષણ લે છે પરંતુ જો તમને કોઈ સ્પષ્ટ લક્ષણો ન હોય તો પણ તે કેન્સરને ઓળખવામાં મદદ કરી શકે છે.
લગભગ 98 ટકા લોકો કે જેઓ તેમની આંતરડાના કેન્સરની સ્ક્રીનીંગ કીટનો ઉપયોગ કરે છે તેમને વધુ ટેસ્ટની જરૂર પડતી નથી. 2 ટકા લોકોને વધુ ટેસ્ટ માટે હોસ્પિટલમાં જવાનું કહેવામાં આવે છે. જે લોકો વધુ ટેસ્ટ માટે હોસ્પિટલમાં જાય છે તેમાંથી માત્ર 10 ટકાથી ઓછા લોકોને કેન્સર હોવાનું નિદાન થશે. જો કે, વધુ 55 ટકામાં તેમની હોસ્પિટલ પ્રક્રિયા દરમિયાન પોલીપ્સ જોવા મળશે. પોલીપ્સ કેન્સર નથી, પરંતુ સમય જતાં તે કેન્સરમાં વિકસી શકે છે. કોલોનોસ્કોપી દરમિયાન પોલિપ્સ સરળતાથી દૂર કરી શકાય છે અને આંતરડાનું કેન્સર થવાનું જોખમ ઘટાડે છે.
તેણી ઉમેરે છે કે “જો આંતરડાના કેન્સરનું વહેલું નિદાન થાય, તો તે સારવાર યોગ્ય છે અને તેનાથી સાજા થઈ શકાય છે. ટેસ્ટ ખરેખર તમારું જીવન બચાવી શકે છે.”
50થી 59 વર્ષની વયના પાત્ર લોકોને પણ સામેલ કરવા માટે ચાલુ વિસ્તરણનો અર્થ છે કે વાર્ષિક, આશરે 4.2 મિલિયન વધુ લોકો NHS આંતરડાના કેન્સર સ્ક્રીનીંગ પ્રોગ્રામ માટે પાત્ર બનશે. આનો અર્થ એ છે કે જ્યારે સંપૂર્ણ રોલઆઉટ પૂર્ણ થઈ જશે, ત્યારે કુલ પાત્ર વસ્તી દર વર્ષે નવ મિલિયનથી વધુ લોકો હશે. તમે www.nhs.uk/conditions/bowel-cancer-screening વધુ માહિતી મેળવી શકો છો.
મેં મારા નિદાન સાથે કેવી રીતે વ્યવહાર કર્યો
જીવન બદલી નાંખે તેવા સમાચાર પ્રાપ્ત કરવાનું દુર્ભાગ્ય ધરાવનાર કોઈપણ વ્યક્તિ જાણી શકે છે કે હું કેવું અનુભવું છું – નિરાશાજનક રીતે હારી ગયેલી, વિચલિત અને દિશાહીન, અને અન્ય સમયે અવિશ્વસનીય રીતે અસ્વસ્થ, ગુસ્સે અને ચિડાઈ ગયેલી હતી.
જ્યારે હું ગાંઠ કઢાવવા ઓપરેશન માટે ગઇ ત્યારે હું ડરી ગઇ હતી. મને ખબર ન હતી કે હું શું ફરી જાગી શકીશ. કેન્સર દૂર થઈ જશે? શું મારે કીમો-રેડિયોથેરાપીની જરૂર પડશે?
સદ્ભાગ્યે, મારી ગાંઠ સંપૂર્ણપણે દૂર કરવામાં આવી હતી અને કેન્સરના પાછા ફરવાનું જોખમ ઘટાડવા માટે મને ત્રણ મહિનાની કીમોથેરાપી આપવામાં આવી હતી.
મારા જીપી, નિષ્ણાતો, નર્સો, ઓનલાઈન સપોર્ટ ગ્રુપ્સ અને મારા પરિવાર અને મિત્રોના નેટવર્કની મદદથી મેં આ નકારાત્મક પરિસ્થિતિને સકારાત્મકમાં ફેરવવાનો પ્રયાસ કર્યો છે. આંતરડાના કેન્સર વિશે જાગૃતિ લાવવા અને આ કેન્સરની આસપાસના કલંકને દૂર કરવામાં મદદ કરવા માટે હું મારી વાર્તા અહિં શેર કરું છું. જો તમને લક્ષણો હોય, તો તમારી GP પ્રેક્ટિસ જવામાં વિલંબ કરશો નહીં – વહેલું નિદાન જીવન બચાવે છે.